નાસ્તિક તત્ત્વોએ આદીનાથ દાદાના પગલા ખંડીત કર્યા
- પાલિતાણાના રોહિશાળા ગામે બનેલા બનાવથી જૈન સમાજમાં ભારોભાર રોષ
- જૈન ધર્મની લાગણી દુભાવનાર અધર્મી તત્ત્વોને પકડી દાખલારૂપ સજા કરવા માંગણી
જૈન શાશ્વતતીર્થ પાલિતાણા તાલુકાના રોહિશાળા ગામની પાછળના ભાગે આવેલ શેત્રુંજય ડુંગર તરફ ભગવાન આદીનાથજી દાદાના પગલાવાળી જગ્યા આવેલી છે. આ જગ્યા જૈન સમુદાય માટે આસ્થાનું કેન્દ્ર હોય, આદીનાથ દાદાના પગલાની દેરી બનાવી અહીં દાદાના પગલાની નિયમિત પૂજા અચાના કરવા માટે એક પૂજારી તેમજ દેરીની સુરક્ષા માટે ચોકીદાર રાખવામાં આવ્યા છે. દરમિયાનમાં ગઈ તા.૨૬-૧૧ના રોજ ચોકીદાર વનરાજસિંહ સરવૈયા દેરીના દરવાજા પર તાળુ મારીને ગયા બાદ કોઈ નાસ્તિક શખ્સોએ દાદાના પગલાવાળી જગ્યાની ફરતે ઉંચી દિવાલને ઠેકી અંદર પ્રવેશ કરી દેરીના દરવાજાનો નકુચો તોડી નાંખી શાંતિ અને સદાચારમાં માનનારા જૈન ધર્મની લાગણી દુભાવવા કોઈ પથ્થર કે હથિયાર વડે આદીનાથ ભગવાનના બન્ને પગલાના અંગુઠા અને આંગળીના ભાગે ટોચા મારી ખંડીત કરી હિન કૃત્ય કર્યું હતું.
દરમિયાનમાં બીજા દિવસે તા.૨૭-૧૧ના રોજ વહેલી સવારે ચોકીદાર વનરાજસિંહ સરવૈયા અહીં આવતા દાદાના પગલા ખંડીત થયેલા જોવા મળતા સમગ્ર ઘટના અંગે તેમણે દેરીની દેખરેખ કરતી આણંદજી કલ્યાણજી પેઢીના મેનેજર અપૂર્વભાઈ શાહને લેખિતમાં જાણ કરી હતી. જેથી પેઢીના સંચાલકોએ રોહિશાળા ગામે દોડી જઈ તપાસ કરતા જૈન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવા કોઈ તત્ત્વોએ આદીનાથ ભગવાનના પગલા ખંડીત કરી નાંખ્યાનું જોવા મળ્યું હતું. આ બનાવ અંગે આણંદજી કલ્યાણજી પેઢી-અમદાવાદ ખાતે મેનેજર સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતા જગદીશચંદ્ર અંબાલાલ મેઘા (ઉ.વ.૫૯, રહે, પાંચ બંગલા, તળેટી રોડ, પાલિતાણા)એ અજાણ્યા શખ્સો સામે પાલિતાણા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૨૯૫, ૪૪૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, રોહિશાળા તીર્થ દિન-પ્રતિદિન વિકસીત થઈ રહ્યું છે. અહીં જૈન શ્રધ્ધાળુઓ ઉપરાંત યાત્રિકો, સાધુ-સાધ્વજી મ.સા. આદીનાથ દાદાના ચરણ પાદૂકાના દર્શન માટે આવતા રહે છે. ત્યારે ધર્મ પ્રત્યે માનસિક વિકૃતિ રાખતા તત્ત્વોએ જૈન ધર્મની લાગણી દુભાવતા સમગ્ર જૈન ધર્મના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને જૈન સમાજના લોકોની આસ્થા-ભાવનાને ઠેસ પહોંચાડનાર અધર્મી તત્ત્વોને નશ્યત કરી આવા તત્ત્વોના કોઈ પણ ધર્મની લાગણી દુભાવતા પહેલા હાથ થથરે તેવી દાખલારૂપ સજા કરવા માંગણી ઉઠી છે.