ઠંડીનું પ્રમાણ વધતા શહેરમાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં ઉછાળો આવ્યો
- શહેરમાં તિબેટીયન પરિવારોએ ડેરા તંબુ તાણ્યા...
- ગરમ વસ્ત્રોના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો હોવા છતા યુવાનોમાં બ્રાન્ડેડ કંપનીના ડિઝાઈનર માલનો ભારે ક્રેઝ
આજથી વર્ષો પુર્વે ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ, મુખ્ય શાકમાર્કેટની સામે, બાદ ઘોઘાગેટ સહિતના વિસ્તારોમાં તિબેટીયન વિક્રેતાઓ સપરિવાર ગરમ વસ્ત્રોના વેચાણ માટે સાડા ત્રણેક માસ સુધી ડેરાતંબુ તાણતા હતા. હવે ઘણા વર્ષોથી શહેરના જવાહર મેદાનમાં કામચલાઉ વુલન માર્કેટ ધમધમી રહી છે. આ ઉપરાંત સ્થાનિક વિક્રેતાઓ પણ વુલન માર્કેટની આસપાસ હંગામી ધોરણે સક્રિય થઈ રહ્યા છે. આ વુલન માર્કેટમાં નવજાત શિશુથી લઈને સિનીયર સિટીઝન માટેના નાની મોટી સાઈઝ પ્રમાણેના રૂા ૩૦૦ થી લઈને રૂા ૫૦૦૦ હજારથી પણ વધુની કિંમતના વસ્ત્રો ઉપલબ્ધ છે. દર વર્ષની પ્રણાલિકા મુજબ ૩૫ આસપાસ તિબેટીયન પરિવારો દેશના વિવિધ પ્રાંતો અને પાડોશી દેશોમાંથી ગુણવત્તાયુકત ગરમ વસ્ત્રોનો જથ્થો લઈને દર વર્ષે નવેમ્બરથી લઈને ફેબુ્રઆરી સુધી ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, કાળુભા રોડ અને મેઘાણી સર્કલ સહિત આસપાસના રહેણાંકીય વસાહતોમાં ભાડાના મકાનમાં ચારેક માસ સુધી રહે છે. તેઓ મહદંશે તિબેટ, ભૂતાન, હિમાચલ, બેંગકોક, દિલ્હી અને લુધિયાણાના વિક્રેતાઓ હોય છે. તેઓએ જણાવ્યુ હતુ કે, ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધતા વેચાણમાં ઉછાળો આવે છે. આ તિબેટીયન પરિવારોનો માલસામાન વધુ વિશ્વસનીય હોય ગામડાઓમાંથી પણ અનેક પરિવારો ખાસ કિસ્સામાં તેમની પાસેથી જ માલ લેવા આવતા હોય છે. ભાવનગર શહેર ઉપરાંત ગામડાઓમાંથી ખાસ કરીને બાળકો, યુવાનો, નવયુગલો દ્વારા એક એકથી ચડીયાતા સાદાથી લઈને સ્ટાઈલીશ લુક ધરાવતા ડિઝાઈનર, અલગ અલગ મનોહર લોગોવાળા, લેડીઝ અને જેન્ટસ જેકેટ, શાલ, મફલર, ટોપી, કાનટોપી, હાથ, પગના મોજા સહિતના ગરમ વસ્ત્રોની ખરીદી અર્થે ગ્રાહકો ઉમટી રહ્યા છે. જવાહર મેદાન,વોરાબજાર, ગોળબજાર તેમજ ગંગાજળીયા તળાવ સહિતના અનેક વિસ્તારોમાં નામાંકિત કંપનીઓના શોરૂમ, મોલ તેમજ હોઝીયરીની દુકાનોમાં પણ બ્રાન્ડેડ કંપનીઓના હેવી સ્ટાઈલીશ લુક ધરાવતા ગરમ વસ્ત્રોનો કોલેજીયન યુવાનોમાં પણ ભારે ક્રેઝ રહ્યો છે. આ ઉપરાંત અનેક પરિવારોની કાર્યકુશળ ગૃહિણીઓ પણ ફાજલ સમયમાં જાતે સ્વેટર ગુંથવાની કામગીરીમાં જોતરાતી હોય છે.અન્ય પરપ્રાંતમાંથી ગરમ વસ્ત્રોના માલસામાનનો જંગી પરિવહન ખર્ચ, મજુરી દર, રો-મટીરીયલ્સ, વુલન માર્કેટની જગ્યાનું ભાડુ, લાઈટબીલ,પરપ્રાંતિય વિક્રેતાઓનો ભાવનગરમાં ચારેક માસ સુધીનુ રોેકાણ, મકાનભાડુ, લાઈટબીલ, ભોજનખર્ચમાં સડસડાટ રીતે વધારો થઈ રહ્યો હોય સાદાથી લઈને ડિઝાઈનર ગરમ વસ્ત્રોના ભાવમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. તેમ છતાં તેની માંગ ઘટી નથી.હજુ ડિસેમ્બરના અંતમાં ઠંડીનું પ્રમાણ વધતુ જશે તેમ તેમ આ વુલન માર્કેટનો માલસામાન વેચાતો જશે તેવો વિક્રેતાઓએ આશાવાદ વ્યકત કર્યો હતો.