ભાવનગરમાં એક મહીનામાં 325 જેટલી પાણીની ફરિયાદ

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાં એક મહીનામાં 325 જેટલી પાણીની ફરિયાદ 1 - image


- ઉનાળાની ગરમીમાં શહેરના કેટલાક વિસ્તારમાં પાણીનો પોકાર

- મનપાના વોટર વર્કસ વિભાગમાં રોજ 10 થી 12 પાણી સમસ્યાની ફરિયાદ આવતા તંત્રની દોડધામ વધી, પાણી ઓછુ આવી રહ્યુ છે, સમયસર પાણી આવતુ નથી સહિતની ફરિયાદ 

ભાવનગર : ઉનાળાની ગરમીમાં પાણી સમસ્યા વધુ જોવા મળતી હોય છે તેથી ઉનાળામાં સરકારી તંત્રને દોડધામ વધી જતી હોય છે, આવુ જ ચિત્ર હાલ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગમાં જોવા મળી રહ્યુ છે. વોટર વર્કસ વિભાગમાં છેલ્લા એક માસથી પાણીની ફરિયાદ વધી છે, જેના કારણે વોટર વર્કસ વિભાગના સ્ટાફની કામગીરી વધી ગઈ છે. ઉનાળામાં પાણી માંગ વધતા દર વર્ષે પાણી પ્રશ્ન જોવા મળતો હોય છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા એક માસથી ઉનાળાની આકરી ગરમી પડી રહી છે અને ગરમી વધતા પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે. શહેરમાં રોજ પીવાના પાણીની ૧૦થી ૧ર ફરિયાદ વોટર વર્કસ વિભાગને મળી રહી છે. છેલ્લા એક માસમાં આશરે ૩રપ જેટલી પાણીની ફરિયાદ તંત્રને મળી છે અને તંત્ર દ્વારા પાણી પ્રશ્ન હલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાણી ઓછુ આવી રહ્યુ છે, સમયસર પાણી આવતુ નથી સહિતની ફરિયાદ તંત્રને મળતી હોય છે તેથી તંત્ર દ્વારા સ્થળ પર જઈ તપાસ કરવામાં આવે છે અને પ્રશ્ન હલ કરવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ઘણી સમસ્યા હલ થઈ જતી હોય છે, જયારે કેટલીક સમસ્યા હલ ના થતી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોય છે તેથી પાણી વગર લોકોને ચાલતુ નથી પરંતુ ઉનાળામાં જ પાણી ઓછુ આવતા લોકોમાં કચવાટ ફેલાતો હોય છે. 

પાણી સમસ્યા ના સર્જાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે પરંતુ તેમ છતા થોડી થોડી પાણીની ફરિયાદ રહેતી જ હોય છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક નગરસેવકો દ્વારા પણ પાણીની ફરિયાદ કરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે, જેના પગલે તંત્રની દોડધામ વધતી હોય છે. છેવાડા વિસ્તારમાં પાણી સમસ્યા વધુ હોય છે તેથી આ લોકોની મૂશ્કેલી વધી જતી હોય છે. પાણી પ્રશ્ન તત્કાલ હલ કરી લોકોને પુરતુ પાણી મળે તેવુ મનપાએ આયોજન કરવુ જરૂરી છે. 

પાણી અંગેની વ્યકિતગત ફરિયાદ વધુ આવે છે : અધિકારી 

ભાવનગર શહેરમાં પાણી સમસ્યા અંગેની ફરિયાદ વધતા લોકોની પરેશાની વધી છે. આ અંગે મનપાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, પાણી અંગેની વ્યકિતગત ફરિયાદ વધુ આવે છે તેથી સ્ટાફને સ્થળ પર મોકલી સમસ્યા હલ કરવામાં આવતી હોય છે. આખા વિસ્તારમાં પાણી ના આવતુ હોય તેવી ફરિયાદ નથી. અત્યાર સુધીમાં આવેલ મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. 

પીવાના પાણીનો હાલ પુરતો જથ્થો હોવાથી થોડી રાહત 

ભાવનગર શહેરને બોરતળાવ, શેત્રુંજી ડેમ, મહીપરીએજ વગેરેમાંથી પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે પરંતુ હાલ તમામ તળાવ-જળાશયોમાં પુરતુ પાણી છે તેથી પાણી ઘટ પડે તેવુ નથી. પીવાના પાણીનો હાલ પુરતો જથ્થો હોવાથી તંત્ર અને લોકોને રાહત છે પરંતુ આયોજનના અભાવે પાણી સમસ્યા સર્જાતી હોય છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. પાણીનો પુરતો જથ્થો હોય પાણી પ્રેસરથી આપવુ જરૂરી છે તેમ જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે.  


Google NewsGoogle News