જસદણમાં ખેતમજૂરી કરતી સગીરા પર દૂષ્કર્મ ગુજારનારની ધરપકડ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
જસદણમાં ખેતમજૂરી કરતી સગીરા પર દૂષ્કર્મ ગુજારનારની ધરપકડ 1 - image


પરપ્રાંતીય શખ્સને ઝડપી લઈ પોલીસ કાર્યવાહી

પેટમાં દુઃખાવો ઉપડતાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગયા ત્યારે સગીરા સગર્ભા હોવાનું ખૂલતાં ફરિયાદ

જસદણ: જસદણમાં ખેત મજુરી કરતા એક આદિવાસી પરિવારની ૧૭ વર્ષની સગીરા સાથે તેની બાજુની વાડીમાં મજુરીકામ કરતા પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા તેણીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સગીરાને ૩ માસનો ગર્ભ હોવાનું આરોગ્ય તપાસમાં ખુલતા ચકચાર મચી ગઈ હતી. જો કે આ દુષ્કર્મના બનાવમાં જસદણ પોલીસે દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય  શખ્સને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ ખાતે વાડી વિસ્તારમાં માધાબાપાની વાડીમાં ખેત મજુરી કરતા પરિવારની ૧૭ વર્ષની સગીરાને આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ પેટમાં દુથખાવો ઉપડયો હતો. જેથી સગીરાના પરિવારજનો તેને તાત્કાલિક જસદણની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબો સગીરાની સ્થિતિ સમજી જતા સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરી હતી. બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના જનાના વોર્ડમાં દાખલ સગીરાની આરોગ્ય તપાસ કરતા સગીરાને ૩ માસનો ગર્ભ હોવાનું આરોગ્ય તપાસમાં ખુલતા પોલીસને જાણ કરાઈ હતી. જેથી જસદણ પીઆઈ ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સગીરા જે વાડીમાં મજુરીકામ કરતી હતી તેની આજુબાજુની વાડીમાં મજુરીકામ કરતા મહેશ બામણીયા નામના પરપ્રાંતીય  યુવાન શખ્સે જ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું તપાસમાં ખુલતા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જો કે આ દુષ્કર્મના બનાવમાં જસદણ પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ ગુજારનાર પરપ્રાંતીય  શખ્સ મહેશ બામણીયાને  પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં જસદણ પોલીસની પ્રાથમિક પુછપરછમાં સગીરા અપરણીત હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ આ બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.


Google NewsGoogle News