બોટાદમાં જૂની અદાવતે બે પક્ષ વચ્ચે સશસ્ત્ર મારામારી
15 દિવસ પૂર્વે પેટ્રોલપંપે લાઈનમાં ઉભા બાબતે બોલાચાલી થઈ હતી
સાત શખ્સે જ્ઞાતિ વિશે હડધૂત કરી યુવાન, તેના ભાઈ અને મિત્રો ઉપર હુમલો કર્યો, સામા પક્ષે સમાધાન માટે આવેલા મામા-ભાણેજને માર મરાયો
ભાવનગર: બોટાદ શહેરમાં ૧૫ દિવસ પૂર્વે પેટ્રોલપંપે લાઈનમાં ઉભવા જેવી નજીવી બાબતમાં થયેલા ઝઘડાની અદાવતમાં બે પક્ષ વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જે બનાવમાં બન્ને પક્ષે આઠ વ્યક્તિને ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ શહેરના સવગણનગરમાં રહેતા સાગરભાઈ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨)ને ૧૫ દિવસ પૂર્વે બોટાદના સાળંગપુર રોડ, કપલીધાર પાસે આવેલ પેટ્રોલપંપ ખાતે લાઈનમાં ઉભા રહેવા બાબતે ઈરફાન ઉર્ફે ચકો નામના શખ્સ સાથે બોલાચાલી થયા બાદ તે જ દિવસે સમાધાન થયું હતું. તેમ છતાં સાગરભાઈ અને તેમના મિત્ર મહેરશભાઈ અરવિંદભાઈ ડોડિયા ગત તા.૯-૧ના રોજ રાત્રિના સમયે ૨૫ વારિયામાં પાન-માવાની દુકાને હતા. ત્યારે ઈરફાન ઉર્ફે ચકોએ ત્યાં આવી સાગરભાઈનો કાંઠલો થોભી જ્ઞાાતિ વિશે હડધૂત કરી બોલાચાલી કરી હતી. જેથી બન્ને મિત્ર ત્યાંથી કપલીધાર નીચે આવેલ ચાની હોટેલે જતાં રહ્યા હતા. ત્યારે ઈરફાન ઉર્ફે ચકો સતારભાઈ બાવનકા, તેના મામા જાબીર ઉર્ફે કાળુ અબ્દુલભાઈ ભાડુલા, ઈરફાન ઉર્ફે જીલુ અબ્બાસભાઈ મુસાણી, અસ્લમ ઉર્ફે ભોડી યુનુસભાઈ ભાડુલા, ઈમ્તિયાઝ ઉર્ફે ઈન્તુ હનિફભાઈ ભાડુલા, જાકિર યુનુસભાઈ ભાડુલા અને સાહિદ ઉર્ફે લાડો સહિતના સાત શખ્સે રિક્ષા, કાર વગેરે વાહનોમાં આવી સાગરભાઈ, તેમના મોટા ભાઈ પ્રકાશભાઈ, મિત્રો અનિલભાઈ મકવાણા, મહેશભાઈ ડોડિયા, વિપુલભાઈ મઢવી ઉર્ફે જીગો અને પ્રિતેશભાઈને પાઈપ, લાકડી અને ઢીકાપાટું વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે સાગરભાઈ ચૌહાણે સાતેય શખ્સ સામે ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપીએ ૧૩૫ અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
સામા પક્ષે ઈરફાનભાઈ ઉર્ફે ચકો સતારભાઈ બાવનકા (ઉ.વ.૧૯, રહે, મહમદગફુર પોસ્ટ ઓફિસ સામે, બોટાદ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સાગર ચૌહાણ નામના શખ્સ સાથે અગાઉ પેટ્રોલપંપે બોલાચાલી થઈ હોય, જે અંગેનું સમાધાન કરવા જતાં સાગર રમેશભાઈ ચૌહાણ, પ્રિતેશ મુકેશભાઈ ચાવડા અને અનિલ ઉર્ફે અનુ ઉર્ફે પાલ્ટી મનુભાઈ મકવાણા નામના શખ્સોએ તેમને અને તેમના મામા જાબીરભાઈ ઉર્ફે કાળુભાઈને ગાળો દઈ લોખંડના પાઈપ અને ઢીકાપાટુંથી માર મારી ધમકી આપી પ્રિતેશ નામનો શખ્સ નેફામાંથી છરી કાઢી મારવા દોડયો હતો. ઘટના સંદર્ભે પોલીસે ત્રણેય શખ્સ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો હતો.