ભેંસો ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણઃ પાંચ ઘાયલ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
ભેંસો ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણઃ પાંચ ઘાયલ 1 - image


બન્ને જૂથના મળી ૭ શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામ નજીક આવેલા આંબલા વિસ્તારમાં બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી જવા પામી હતી. જેમાં લાકડી, દાતરડા વિગેરે જેવા હથિયારોનો ઉપયોગ થયો હતો. આ પ્રકરણમાં બંને પક્ષે સામ-સામે કુલ સાત શખ્સો સામે વાડીનાર મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા હારુનભાઈ હાજીભાઈ સંઘાર નામના ૩૦ વર્ષના યુવાનની વાડીના શેઢે આરોપી તારમામદ ઈશાભાઈ ગજણ ભેંસો લઈને ચરાવવા માટે ગયો હતો. ત્યારે ફરિયાદી હારુનભાઈએ તારમામદને વાડીના છેડે ભેંસો ચરાવવાની ના પાડતા આ બાબતથી ઉશ્કેરાયેલા તારમામદ ઈશાભાઈ ગજણ, સાજીદ હુસેન ભટ્ટી અને ઈસ્માઈલ હુસેન ભટ્ટી નામના ત્રણ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા દાતરડા વાળે હુમલો કરીને ફરિયાદી હારુનભાઈ તથા તેમના પિતા, નાનાભાઈ ફારૂક તેમજ સાહેદ અબ્બાસને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.

સામા પક્ષે સંધી તારમામદ ઈશાભાઈ ગજણ (ઉ.વ. ૪૦, રહે. નાના આંબલા) એ હારુનભાઈ હાજીભાઈ, અબ્બાસ મામદભાઈ, ફારૂક હાજીભાઈ અને હાજીભાઈ ઈશાભાઈ નામના ચાર શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તારમામદભાઈ પોતાની વાડીની બાજુમાં આવેલી એક આસામીની વાડીમાં ભેંસો ચરાવી રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ધઆ જમીન અમારી છે. તારો દીકરો જરીફ સાથે આ જમીન બતાવવા કેમ આવેલો હતો?ધ તેમ કહી, બિભત્સ ગાળો કાઢી હતી. જેથી ફરિયાદી તારમામદભાઈએ ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયા, લાકડી, રાપડી વિગેરે જેવા હથિયારો વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બઘડાટીમાં ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News