Get The App

ચલાલામાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી, પાંચ ઘાયલ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
ચલાલામાં બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી, પાંચ ઘાયલ 1 - image


બન્ને પક્ષે સામસામી ૧૧ લોકો સામે ફરિયાદ

પ્રેમલગ્ન અને છેડતીનાં કોર્ટ કેસ બાદ સમાધાન કરવા સહિતની બાબતે માથાકૂટબન્ને પક્ષે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઇ

અમરેલી :  અમરેલી જિલ્લાના ચલાલા શહેરમાં દાનેવ સોસાયટી મફત પ્લોટ વિસ્તારમાં પ્રેમ લગ્ન અને કોર્ટ કેસને લઈને બે પક્ષો વચ્ચે મારા-મારી અને ધમકી અપાતા ૧૧ લોકો વિરુદ્ધ સામ-સામે બંને પક્ષોના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ચલાલા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સશસ્ત્ર મારામારીમાં બન્ને પક્ષે પાંચ લોકો ઘવાયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,ચલાલા શહેરમાં આવેલ દાનેવ સોસાયટી વિસ્તારમાં રહેતા સંગીતાબેન માધુભાઈ દાફડા (ઉ.વ.૨૦)એ ૫ લોકો વિરુદ્ધ ચલાલા પોલીસ મથક ખાતે નોંધાવી હતી કે, હાર્દિકભાઈ નારણભાઇ ખેતરીયાના લગ્ન યુવતીના મોટા બાપુની દીકરી હેતલબેન સાથે થયા હતા અને તેનો કેસ તથા યુવતીનો છેડતીનો કેસ હાર્દિક નારણભાઇ ખેતરીયા, કૌશિક નારણભાઇ ખેતરીયા અને નારણભાઇ હાદાભાઈ ખેતરીયા, મીનાબેન ખેતરીયા પર ચાલતો હતો. જે બનેં કેસમાં યુવતી અને તેના પિતાએ સમાધાન કરી લેતા મનદુઃખ અને રાગદ્વેષ રાખી યુવતી અને તેના પરિવારજનોને બોલાવી ગાળો આપી લોખંડની પાઇપ, લાકડી વડે આડેધડ માર માર્યો હતો. યુવતીને તેના મોટા બાપુની દીકરી સહિતના લોકોએ લાકડી વડે માર માર્યો હતો અને જીવાભાઈ વિજલભાઈ, બાવભાઈ વાલાભાઈને પણ મારમારી અને જીવતા રહેશે તો ફરિયાદ કરશે ને કોઈપણ જાતના સમાધાન વગર સીધો ચુકાદો તેવી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. આ અંગે તમામ લોકો વિરુદ્ધ ચાલાલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સામે પક્ષે કૌશિકભાઈ નારણભાઇ ખેતરીયા (ઉ.વ.૨૫) નામના યુવકે ૬ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જણાવ્યું હતું કે, તેના નાનાભાઈએ મધુભાઈ જીવાભાઈ દાફડાના મોટા ભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેનો ખાર રાખીને ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન ઝઘડો ન કરવા માટે કૌશિક સમજાવવા માટે વચ્ચે પડતા તેના પર મધુભાઇ જીવાભાઇ દાફડા, મુકતાબેન મધુભાઇ જીવાભાઇ દાફડા, સંગીતાબેન મધુભાઇ જીવાભાઇ દાફડા, કાજલબેન મધુભાઇ જીવાભાઇ દાફડા, બાવભાઇ વાલાભાઇ રાઠોડ, જીવાભાઇ બિજલભાઇ દાફડા લોકોએ કુહાડીના ઘા, લાકડી સહિતના સાધનો વડે માર મારી અને અપશબ્દો કહી ઈજાઓ પહોંચાડી હતી. બંને પક્ષો દ્વારા ચલાલા પોલીસ મથક ખાતે સામ-સામે નોંધાવેલ ફરિયાદના આધારે ગુન્હો નોંધી કુલ ૧૧ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News