Get The App

બહુમાળી ભવનના બંને બિલ્ડીંગની દુર્દશાથી કર્મચારી-અરજદારો પરેશાન

Updated: Sep 16th, 2022


Google News
Google News
બહુમાળી ભવનના બંને બિલ્ડીંગની દુર્દશાથી કર્મચારી-અરજદારો પરેશાન 1 - image


- વર્ષો જુનો રોડ રિકાર્પેટ નહીં કરાતા ખાડા બિલ્ડીંગ

- પાર્કીંગ, સુરક્ષા, સ્વચ્છતાની સાથે બિલ્ડીંગની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી જરૂરી

ભાવનગર : શહેરના બહુમાળી ભવનમાં વિવિધ સરકારી કચેરીઓ આવેલ હોય જેમાં રોજીંદા હજારો અરજદારોની આવન-જાવન રહેતી હોવા છતાં આ બિલ્ડીંગની સુરક્ષા કે તેની જાળવણીમાં જવાબદાર તંત્રની ઉદાસીનતા ઉડીને આંખે વળગી રહી છે.

બહુમાળી ભવનમાં બે બિલ્ડીંગ આવેલ છે એક મુખ્ય બિલ્ડીંગ અને બીજુ એનકેસી બિલ્ડીંગ આ બંને બિલ્ડીંગની આંતરિક પરિસ્થિતિ અતિ દયનીય બની છે. સેલટેક્સ, તોલમાપ, ફુડ એન્ડ ડ્રગ, સિંચાઇ, હેલ્થ, સીટી સર્વે, લવાદ કોર્ટ સહિત શિક્ષણ, વન વિભાગ, ક્ષાર અંકુશ, રમત ગમત રોજગાર જેવી કચેરીઓના અધિકારી તેમજ કર્મચારી અરજદારોના રોજીંદા કામકાજો રહેતા હોય છે ત્યારે પાર્કીંગના સ્થાને જે-તે કચેરીની વર્ષો જુની સડી ગયેલી કાર, વાહનો ભંગાર હાલતમાં જગ્યા રોકી પડી રહી છે અને રાત પડતા જ આ કંડમ વાહનોમાં દારૂની બદી ઉઠવા પામતી હોય છે. આવા જે-તે ડિપાર્ટમેન્ટના વાહનોનો નિકાલ કરવો જરૂરી બન્યો છે. તો સાથો સાથ વર્ષો જુનો ડામર રોડ ઉબડ ખાબડ થઇ ગયો છે. રોડની સુવિધા બનાવવામાં તંત્ર હજુ ચાંચુડી ઘડાવે છે. મેન બે ગેટ છે પરંતુ એક ગેટ તો જાણે બંધ રાખવા જ બનાવ્યો હોય તેમ બંધ જ રાખવામાં આવે છે. માણસ ચાલીને જઇ શકે તેવી વ્યવસ્થા પણ નથી તો બીજો ગેટ છે પણ ગેટ પર જ મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. સંપૂર્ણ પરીસરમાં સીસીટીવી કેમેરાનો અભાવ છે જેથી સાંજ ઢળતા જ લુખા તત્વો આવો આશરો શોધતા હોય છે ત્યારે પુરતા સિક્યુરિટી અને કેમેરા લગાવવા પણ જરૂરી બન્યા છે તો બિલ્ડીંગમાં લોબીમાં કે દાદર કેબીનમાં લાઇટના અભાવે અંધારીયુ બિલ્ડીંગ લાગી રહ્યું છે. જ્યારે દરેક ફ્લોર પર આવેલ શૌચાલયના બારણાને ડોટ ક્લોઝર લગાડવું ખુબ જરૂરી છે જેથી દુર્ગંધ બહાર સુધી ન આવે આ ઉપરાંત મુખ્ય બિલ્ડીંગના દાદરના કઠોડા હિંચકા ખાઇ રહ્યા છે જે ક્યારેક અકસ્માતનું કારણ પણ બની શકે છે. આ સઘળી બાબતથી કર્મચારીઓ, અધિકારીઓ અને અરજદારો પરેશાન છે. કલેક્ટર દ્વારા પણ એક વખત આ બિલ્ડીંગની વિઝીટ કરવી ઘટે જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય અને નક્કર કાયમી પગલા ભરી શકાય.

Tags :
employees-applicantsbuildingsmulti-storied-building

Google News
Google News