રાજકોટમાં પોલીસ ધાક ઓસરી ખૂની હુમલાની વધુ એક ઘટના

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
રાજકોટમાં પોલીસ ધાક ઓસરી  ખૂની હુમલાની વધુ એક ઘટના 1 - image


વાજડી ગામે યુવાનને છરીના ઝીંકી આરોપી ભાગી ગયો

આરોપીએ પોતાની માતા સાથે ઝગડો કરતાં યુવાને તમાચા ઝીંક્યા હતાતેનો ખાર રાખી ખૂની હુમલો કર્યો

રાજકોટ :  રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના લીરા ઉડાડતી ઘટનાઓ હવે સામાન્ય બની ગઇ છે. પોલીસની ધાક રહી ન હોય તેમ ખૂની હુમલા, હુમલા અને મર્ડરની ઘટનાઓનો સીલસીલો શરૃ થયો છે. ગઇકાલે રાત્રે હત્યાની કોશિષની વધુ એક ઘટના બની હતી.   વીરડા વાજડી ગામે ધરાહરનગરમાં રહેતા નિખીલ ઘનશ્યામ જાદવ (ઉ.વ.૨૧) પર આરોપી વિજય ભનુભાઈ ચૌહાણે છરી વડે હુમલો કર્યો હતો. ગાંધીગ્રામ-૨ પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

ફરિયાદમાં નિખીલે જણાવ્યુ છે કે તે ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરે છે. ગઇકાલે રાત્રે ઘર પાસે આંબેડકર ચોકમાં બેઠો હતો ત્યારે આરોપી બાઇક ઉપર ધસી આવ્યો હતો અને તેને કહ્યું કે તને શું હવા છે, તારી હવા કાઢી નાખવી પડશે, હું તને જોઇ લઇશ.  બાદમાં બાઇક લઇ આરોપી જતો રહ્યો હતો.

૧૫ મીનીટ બાદ ફરીથી બાઇક લઇ આવ્યો હતો. આવીને તેનો કાંઠલો પકડી, ઉભો કરી ગડદા પાટુનો માર મારવાનું શરૃ કર્યું હતું. આટલેથી નહીં અટકતા નેફામાંથી છરી કાઢી, આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહી ગળાના ભાગે છરીનો એક ઘસરકો કર્યો હતો. બીજો ઘા મારવા જતા તેણે હાથ આડો ધરતા કોણીથી ઉપરના ભાગે ઘા વાગી ગયો હતો. આરોપી ત્રીજો ઘા પણ મારવા જતાં તેના મિત્રો રવિ અને મનિષે વચ્ચે પડી છોડાવ્યો હતો.

તે સાથે જ આરોપી બાઇક લઇ ભાગી ગયો હતો. તેને લોહીલુહાણ હાલતમાં મિત્રોએ પ્રથમ ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં જઇ ગાંધીગ્રામ-૨ પોલીસે ફરિયાદ નોંધી હતી. નિખીલે પોલીસને જણાવ્યું કે થોડા સમય પહેલા તેની માતા ઉષાબેન સાથે આરોપીએ બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. જેથી તેણે આરોપીને બે તમાચા ઝીંકી દીધા હતા. ત્યારથી આરોપી તેને જાનથી મારી નાખવા માટે તકની રાહ જોતો હતો. ગઇકાલે તે મિત્રો સાથે બેઠો હતો ત્યારે આરોપીએ આવી છરીના ઘા ઝીંકી દીધા હતા. મોડી સાંજ સુધી આરોપી નહીં પકડાયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News