ઉઠી ગયેલી ધનંજય ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે વધુ એક ફરિયાદ
શાક-બકાલાના વેપારીના 30 લાખ ઓળવી ગયા
દૈનિક બચત યોજનામાં રકમ જમા કરાવ્યા બાદ આરોપીઓએ આપેલા ચેક પરત ફર્યા
રાજકોટ: નાનામવા રોડ પરના ૪૦ ફૂટ રોડ પર સાંકેત પાર્કમાં શ્રીરાજ રેસીડેન્સીના ગેઇટ સામે આવેલી અને ઉઠી ગયેલી શ્રી ધનંજય નાગરિક કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકો વિરૂધ્ધ ચારેક કરોડની છેતરપીંડીની તાલુકા પોલીસમાં અગાઉ ફરિયાદ નોંધાયા બાદ હવે બી ડીવીઝન પોલીસમાં ૩૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.
હુડકો ક્વાર્ટરમાં રહેતી વિધવા મંજુલાબેન કુકડીયા (ઉ.વ.૩૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇ તા. ૯-૭-૨૦૨૨ના રોજ તેના પતિનું એક્સીડેન્ટમાં મોત થયું હતું. બાદમાં સાસુનું પણ અવસાન થયું હતું. હાલ સસરા સાથે રહે છે. જે અપંગ છે. પતિ રાજેશભાઈ માર્કેટીંગ યાર્ડ પાછળ મંછાનગરમાં ભાગીદારીમાં બકાલાનો ધંધો કરતા હતા. આ દરમિયાન તેના પતિ શ્રી ધનંજય નાગરિક ક્રેડીટ સોસાયટીના એજન્ટ મયુર પાંભરના સંપર્કમાં આવતા તેની પાસે દૈનિક બચત યોજનાનું ખાતુ કરાવ્યું હતું.
જેમાં તેના પતિ દરરોજ રૂા. ૧૧૦૦ ભરતા હતા. ૨૦૨૦ સુધી તેના પતિએ રકમ ભરી હતી. બાદમાં તેના પતિએ મયુર પાંભરે આપેલા ત્રણ ચેક બેંકમાં નાખતા બાઉન્સ થયા હતા. પરિણામે તેના પતિ મયુરને મળતા તેણે કહ્યું કે ધનંજય પેઢી ઉઠી ગઇ છે. તેમાં ગામના ઘણા લોકોના પૈસા બ્લોક થઇ ગયા છે. હું પણ પેઢીમાંથી નીકળી ગયો છું. પેઢીના ઘનશ્યામ પાંભર અને તેના બધા પાર્ટનર ઉઠી ગયા છે. તેમના વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ છે.
ત્યારબાદ મીટીંગ થતાં ઘનશ્યામે જસદણમાં આવેલી ત્રણ દુકાન ૩૦ લાખના બદલામાં આપવામાં તૈયારી બતાવી હતી. જેથી જે તે વખતે ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં તેના પતિનું અવસાન થતા તેના દ્વારા મયુરનો સંપર્ક કરાતા અવારનવાર પૈસા અપાવી દેવાના વાયદા કરતો હતો. આ રીતે તેના પતિએ મયુરના ભરોસે સોસાયટીમાં દૈનિક બચત યોજનામાં પૈસાનંુ રોકાણ કર્યું હતું. જે ઓળવી જવાતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મયુર ઉપરાંત ઘનશ્યામ પાંભર, મિલન અને પરેશ પાંભર વિરૂધ્ધ ગુનાઇત કાવત્રુ રચી, વિશ્વાસઘાત, છેતરપીંડી કરી રૂા. ૩૦ લાખ ઓળવી જવાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ જારી રાખી છે.