સિહોરમાં રખડતા પશુનો ત્રાસ દિન-પ્રતિદિન વધવા છતા તંત્રનું ભેદી મૌન

Updated: Jul 20th, 2022


Google NewsGoogle News
સિહોરમાં રખડતા પશુનો ત્રાસ દિન-પ્રતિદિન વધવા છતા તંત્રનું ભેદી મૌન 1 - image


- ચોકકસ આયોજનના અભાવે શહેરીજનો પરેશાન 

- મુખ્ય બજારોમાં છાસવારે જોવા મળી રહેલા આખલા યુધ્ધના રોજીંદા દ્રશ્યો

સિહોર : સિહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા બીનવારસી માલઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધતો રહ્યો હોવા છતાં તે મુશ્કેલીનેનિયંત્રણમાં લેવા  કે હળવી કરવા માટે સ્થાનિક સત્તાધીશો દ્વારા અકારણ વિલંબ દાખવવામાં આવી રહ્યો હોય જાગૃત લોકોમાં આ હકીકત આકરી ટીકાને પાત્ર બનેલ છે. 

સિહોર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. દિવસ દરમિયાન રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમતી શહેરની તમામ મુખ્ય બજારો, શાકમાર્કેટ  તેમજ હાઈવે સહિતના સ્થળોએ આ રખડતા ભટકતા પશુઓ કલાકો સુધી અડીંગા જમાવીને પડયા પાથર્યા રહેતા હોય છે એટલુ જ નહિ પશુઓ જાહેર માર્ગો પર ગંદકી કરતા હોય ત્યાંથી પસાર થવામાં સૌ કોઈને મુશ્કેલીઓ વેઠવી પડે છે. પશુઓ અને આખલાઓના ટોળેટોળાઓ અવારનવાર રાહદારીઓને તેમજ વાહનચાલકોને ઢીંક મારવા પણ દોડતા હોય છે. સિહોરની મુખ્ય બજારોમાં હવે તો આખલા યુધ્ધના દ્રશ્યો રોજીંદા થઈ પડયા છે. સિહોરમાં આ અગાઉ રખડતા આખલાઓએ ઢીંક મારતા ત્રણ નિર્દોષ રાહદારીઓના મોત નિપજયા હતા તેમજ અનેક રાહદારીઓને ઈજાગ્રસ્ત કર્યા હતા. એટલુ જ નહિ આ આક્રમક બનતા આખલાઓની દોડાદોડીમાં અનેક વાહનોને પણ મોટુ નુકશાન થવા પામ્યુ હતુ. આ ગંભીર હકિકત જગજાહેર હોવા છતાં નગરપાલિકાના અંધેર તંત્રવાહકો દ્વારા રખડતા ઢોરને પકડવા માટે સમયાંતરે કોઈ ચોકકસ આયોજન કરવામાં આવતા નથી. સિહોરની શિરદર્દ સમાન આ ટ્રાફિક સમસ્યા પ્રત્યે સત્તાધીશો કુંભકર્ણ નીંદ્રામાં પોઢી ગયા હોય તેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો ન હોય શહેરીજનોમાં તંત્રવાહકોની મનમાની સામે આક્રોશ વ્યાપેલ છે. 


Google NewsGoogle News