Get The App

પાલિતાણામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરાતા જૈનોમાં રોષ

Updated: Dec 22nd, 2022


Google NewsGoogle News
પાલિતાણામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરાતા જૈનોમાં રોષ 1 - image


- શેત્રુંજ્ય પર્વત પર ખનન પ્રવૃત્તિ સહિતના દુષણની ફરિયાદ

- પ્રભુની ચરણ પાદુકાને ખંડિત કરનાર અજાણ્યા શખ્સો હજુ ફરાર ઃ શેત્રુંજ્ય પર્વત પર દુષણ અટકાવવા માટે ટ્રસ્ટીઓએ કડક પગલા લેવા જરૂરી 

ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલિતાણામાં થોડા દિવસ પૂર્વે પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને કોઈ અજાણ્યા શખસોએ ખંડિત કરાતા જૈનોમાં રોષ ભભૂકી ઉઠયો છે. પ્રભુની ચરણ પાદુકાને ખંડિત કરનાર અજાણ્યા શખ્સો હજુ ફરાર છે. શેત્રુંજ્ય પર્વત પર ખનન પ્રવૃત્તિ સહિતના કેટલાક દુષણની ફરિયાદ છે. શેત્રુંજ્ય પર્વત પર દર્શન માટે મોટી સંખ્યામાં જૈનો આવતા હોય છે ત્યારે પર્વત પર દુષણ અટકાવવા માટે ટ્રસ્ટીઓએ કડક પગલા લેવા જરૂરી છે. 

તિર્થનગરી પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર કેટલાક દુષણ વધ્યા છે તેથી જૈનોમાં નારાજગી જોવા મળી રહી છે. ગત તા. ર૬ નવેમ્બર ર૦રરની રાતના સમયે અજાણ્યા શખસો દ્વારા રોહિશાળામાં પ્રાચીન ૩ ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવેલ છે, આ ઘટનાને એક માસ થવા આવ્યો છતા હજુ આરોપીઓની ઓળખ થઈ નથી. પોલીસે લોકોના નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે. આ ઘટનાને લઈ જૈનોમાં ખુબ જ રોષ ભભૂકી ઉઠયો છે અને યોગ્ય પગલા લેવા માંગણી ઉઠી છે. 

શેત્રુંજ્ય પર્વત પર ગેરકાયદે ખનીજ ચોરી પણ થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. શેત્રુંજ્ય ગિરિરાજ ઉપર બહુ મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદે રીતે ચડાવવામાં આવી છે અને જંબુદ્રીપની પાછળના વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમે છે તેવી રજુઆતો થઈ છે. શેત્રુંજ્ય પર્વત જૈનો માટે આસ્થાનુ કેન્દ્ર છે અને આ પર્વત પર દુષણ વધતા જૈનોમાં કચવાટ ફેલાયો છે ત્યારે આ બાબતે ટ્રસ્ટીઓએ તત્કાલ પરિણામલક્ષી પગલા લેવા જરૂરી છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી યોગ્ય પગલા લેવાય તેવી જૈનોની લાગણી છે.  


Google NewsGoogle News