પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને સપરિવાર મારી નાંખવાની ખુલ્લી ધમકી

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને સપરિવાર મારી નાંખવાની ખુલ્લી ધમકી 1 - image


'તું પાલિકાની પ્રમુખ અઢી વર્ષ જ છે ત્યાર પછી તને જોઈ લઈશ'

ચેમ્બરમાં ધસી આવેલા શખ્સે ગાળોનો વરસાદ વરસાવી તને અને તારા પતિને પતાવી દઈશની ધમકી આપી, કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ

પોરબંદર : અહી તાજેતરમાં જ પ્રમુખ તરીકે આરૂઢ થયેલા મહિલા પાલિકા પ્રમુખે ફોન ન ઉપાડતા ચેમ્બરમાં ધસી આવેલા એક શખ્સે બેફામ ગાળો ભાંડી 'તું પાલિકાની પ્રમુખ અઢી વર્ષ જ છે ત્યાર પછી તને જોઈ લઈશ કહી  તને અને તારા પતિને પતાવી દઈશ'ની ધમકી આપતા સનસનાટી મચી ગઈ હતી.

પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો.ચેતનાબેન  ગીરીશચંદ્ર તીવારીએ કમલાબાગ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ આજે કચેરીએ આવ્યા હતા.પાલિકા ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ અને અન્ય આગેવાનો પાલિકાના કામકાજ બાબતે ચર્ચા વિચારણા કરતા હતા આ દરમિયાન પોણા બે વાગ્યાના અરસામાં નયન ઉર્ફે બન્ટુ કારા ગોરાણિયા નામનો શખ્સ આવેલો હતો. અને રોષભેર કહેવા લાગ્યો હતો કે મારો ફોન કેમ ઉપાડતા નથી આથી પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે અમે બધા મીટિંગમાં હોવાથી તમારો ફોન ઉપાડેલો નથી. 

આથી આ વ્યકિત એકદમ ઉશ્કેરાઈ જઈને કહેવા લાગ્યો હતો કે '  તું પાલિકાની પ્રમુખ અઢી વર્ષ જ છે ત્યાર પછી તને જોઈ લઈશ કહી  તને અને તારા પતિને પતાવી દઈશ'ની ધમકી આપતા આપતા ગાળો ભાંડવા સાથે એલફેલ બોલવા સાથે ઓફિસની બહાર જતો રહ્યો હતો. આ ઘટના બનતા મહિલા પ્રમુખે જિલ્લા પોલીસ વડાને ફોન કરી અને હત્યાની ધમકી મળ્યાની વાતથી વાકેફ કર્યા હતા. એમણે કમલાબાગ પોલીસને જાણ કરો એમ કહેતા ત્યાં વિગત જણાવી હતી. એ પછી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી કમલાબાગ પોલીસ મથકના પીએસઆઈ પાલિકા કચેરીએ દોડી ગયા હતા. અને ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. 

તમે ફોન કેમ ઉપાડતા નથી કહીને રોષભેર યુવક ચેમ્બરમાં ધસી આવ્યો અને ધાકધમકી આપી


Google NewsGoogle News