ત્રાપજ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધનું મોત
વેવાઈના ઘરે ચાલીને જતા હતા ત્યારે અકસ્માત સર્જી ચાલક ફરાર
ઈજાગ્રસ્ત વૃદ્ધે ભાવનગર સરકારી હોસ્પિટલમાં દમ તોડયો
ભાવનગર : તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક પગપાળા જઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતા તેઓએ હોસ્પિટલ બિછાને દમ તોડી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના બેલા ગામે ગોરધનભાઈ પટેલની વાડીમાં રહી કૂવો ખોદવાનું મજૂરી કામ કરતા લક્ષ્મણસિંહ માલસિંહ રાવત (ઉ.વ.૪૨, રહે, મુળ નયા ગામ સારોઠ, તા.ભીમ, જિ.રાજસમંદ, રા.રાજસ્થાન)ના પિતરાઈ ભાઈ ગોપાલસિંહ લખાસિંહ રાવત (ઉ.વ.૬૦) ગત તા.૮-૧ના રોજ રાત્રિના સમયે ત્રાપજ ગામે રહેતા તેમના વેવાઈના ઘરે ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે ત્રાપજ ગામે લાકડિયા પુલ પાસે હાઈવે રોડ પર કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેઓ સાથે અકસ્માત સર્જતા વૃદ્ધને માથા, કપાળ, હાથ-પગ, પેટના ભાગે મુંઢ અને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું. ઘટના સંદર્ભે લક્ષ્મણસિંહ રાવતે અજાણ્યા વાહનના ચાલક સામે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.