ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા બેઠક દીઠ એક આદર્શ મતદાન મથક તૈયાર કરાશે
- મતદાન વધારવા માટે ચૂંટણી વિભાગે પ્રયાસ હાથ ધર્યા
- જિલ્લામાં કુલ 7 મોડેલ પોલિંગ બૂથ મતદારોને મતદાનનો અનોખો અહેસાસ કરાવશે : મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે
જિલ્લામાં નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં સાત આદર્શ પોલિંગ બુથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો બનાવાવમાં આવશે. ભાવનગર જિલ્લામાં આ વખતે સાત આદર્શ પોલિંગ બૂથ બનશે. દરેક વિધાનસભા દીઠ એક પોલિંગ બૂથ નમૂનારૂપ બનાવાશે. જેમાં (૧) ૯૯-મહુવામાં ૧૪૮-મહુવા-૫૨ નંબરનું બૂથ- બીસીએ કોલેજ, રૂમ નં. ૨, નહેરુ વસાહત ની બાજુમાં, મહુવા (૨) ૧૦૦-તળાજામાં ૧૭૧-માંડવા નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૩, માંડવા (૩) ૧૦૧-ગારીયાધારમાં ૯૮-ગારીયાધાર-૭ નંબરનું બૂથ- નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ, ગારીયાધાર (૪) ૧૦૨-પાલિતાણા, ૩૦૦/૩૧૨ પાલિતાણા-૩૯, નવાગઢ, પાલિતાણા ખાતે તાલુકા શાળા(ગુજરાતી નિશાળ), મા.હો. રોડ, દક્ષીણ તરફનો રૂમ-૧૪, પાલિતાણા, (૫) ૧૦૩-ભાવનગર ગ્રામ્યમાં ૩૧૨/૩૨૧ ઘોઘા-૫ નંબરનું બૂથ-તાલુકા શાળા ઘોઘા(સીટી), નવું મકાન પશ્ચિમ બાજુનો રૂમ નં. ૨, ઘોઘા(સીટી) (૬) ૧૦૪-ભાવનગર પૂર્વમાં ૨૩૮-ભાવનગર-૨૧૬ નંબરનું બૂથ-સરદાર પટેલ પ્રા.શા. નં.-૭૬, મકાન નં.-૧, રૂમ નં.-૩,રક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે, ભરતનગર, ભાવનગર (૭) ૧૦૫ ભાવનગર પશ્ચિમમાં ૧૮૧-ભાવનગર-૧૬૩ નંબરનું બૂથ-હોમ ઈંગ્લીશ સ્કૂલ ધોરણ-૬ નો રૂમ, કાળુભા રોડ, હરભાઈ ત્રિવેદી માર્ગ, ભાવનગરનો સમાવેશ થાય છે.
મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈને પણ સામેથી પોતાનો કિંમતી મત આપવા આવવાનું મન થઈ આવે ! મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે, જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.
ગારીયાધારમાં ચુંટણી કામગીરી અંગે તાલીમ વર્ગ યોજાયો
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગરનાં ગારીયાધારમાં ખાતે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં વિધાનસભાની ચૂંટણીઓ વખતે ચુંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો, વોટીંગનાં દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ અંગે જાણકારી આપી હતી. આ તાલીમમાં થિયરી તાલીમ તથા ઇવીએમ, વીવીપેટ સહિતની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગારીયાધાર મામલતદારનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી (તાલીમ ) દ્વારા ઈલેક્શન કમિશનની સૂચના મુજબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વરતેજથી શિહોર સુધીની ફેકટરીઓમાં મતદાન કરવા અંગે લોકોને જાગૃત કરાયા
ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ સંદર્ભે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વરતેજ થી શિહોર ખાતેની જુદી જુદી ફેકટરીના સ્થળે કામ કરતા લોકોને પોતાના આદર્શ લોકશાહીમાં મતની આપવા અંગેની સમજ આપી એક મતની કિંમત
સમજાવી તેઓને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા.