ઢસા ગામે મસ્જિદની રેતી હટાવવા બાબતે બે પક્ષ વચ્ચે સશસ્ત્ર ધમાલ
- હથિયારો લઈ ઘરમાં ઘૂસી ગયેલા શખ્સોએ કારમાં તોડફોડ કરી
- બન્ને પક્ષે 10 શખ્સ વિરૂધ્ધ માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપ્યાની સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
ઘટનાની મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ઢસા (જં) ગામે રાણીંગા ચોકમાં રહેતા રહીમભાઈ રજાકભાઈ તાજાણી (ઉ.વ.૫૭) ગત તા.૧૪-૫ના રોજ સાંજના સમયે તેમના પરિવારના સભ્યો સાથે ઘરે હાજર હતા. ત્યારે હાજી બાઉદ્દીનભાઈ મહેતર નામના શખ્સે તેમને ફોન કરી તેના ઘરે બે દિવસ બાદ પ્રસંગ હોય, જેથી સમાજની મસ્જિદની બાજુમાં પડેલી રેતી હટાવી લેવાનું કહેતા તેમણે સમાજની મસ્જિદનું કામ છે, જેથી જાતે રેતી લઈ લેવા જણાવતા તે વાતને લઈ ઉશ્કેરાઈ જઈ હાજી મહેતર અને ઈલિયાસ મહેતરે ફોનમાં ગાળો દઈ બાદમાં હાજી બાઉદ્દીનભાઈ મહેતર, ઈલિયાસ બાઉદ્દીનભાઈ મહેતર, ઈરફાન યુનુસભાઈ મહેતર, મુન્ના બાઉદ્દીનભાઈ મહેતર, સાજીદ હાજીભાઈ મહેતર અને હાજી મહેતર સાથે છેલ્લા ઘણાં સમયથી ઢસા ગામે જ રહેતા તેના બે ભાણેજ સહિતના સાત શખ્સે લાકડાના ધોકા, લોખંડના પાઈપ લઈ આધેડના ઘરમાં ઘૂસી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવા ધમકી આપી ઘરની બહાર પાર્ક કરેલી સ્કોર્પિયો કારના બોનેટ ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી કાચ તોડી નુકશાન કર્યું હતું. જે બનાવ અંગે રહિમભાઈ તાજાણીએ બે અજાણ્યા સહિત સાત શખ્સ સામે ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૧૪૩, ૧૧૪, ૧૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૩૩૬, ૪૪૮, ૪૨૭ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.
સામા પક્ષે ઢસા (જં) ગામે આર.જે.એચ. હાઈસ્કૂલ, મસ્જિદ પાસે રહેતા સાજીદભાઈ હાજીભાઈ મહેતર (ઉ.વ.૩૫)ના મોટા બાપુજીના દીકરીના લગ્ન પ્રસંગ સબબ ઘાંચી જમાતખાનામાં મહેમાનોનું જમણવાર શરૂ હોય, મસ્જિદનું કામ શરૂ હોવાથી રેતીનો ઢગલો પડયો હોવાથી મહેમાનોના વાહનો તેમના ઘર સુધી અંદર આવી શકતા ન હતા. જેથી સાજીદભાઈના પિતા હાજીભાઈ અને ઈલિયાસભાઈએ ફોન કરી આ રેતીના ઢગને હટાવવાનું કહેતા રહિમ રજાકભાઈ તાજાણી નામના શખ્સે ફોનમાં ગાળો દેતા સાજીદભાઈ, તેમના પિતા હાજીભાઈ, કુટુંબી ભાઈ અને ફઈનો દિકરો રહિમ તેજાણીને સમજાવવા તેના ઘરે ગયા હતા. ત્યારે રહિમ તાજાણી, યુસુફ રજાકભાઈ તાજાણી અને યુનુસ રજાકભાઈ તાજાણી (રહે, ત્રણેય ઢસા) નામના શખ્સોએ લાકડાના ધોકા, તલવાર અને ગુપ્તીથી સાજીદભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. આ મારામારીના બનાવમાં ઈજા પામેલા યુવકને સારવાર માટે ઢસા, સિહોર અને ત્યારબાદ ભાવનગર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સાજીદભાઈ મહેતરે ત્રણેય શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે ઢસા પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.