પીએસઆઇના ભાઇની હત્યાના બનાવમાં એક આરોપી ઝડપાયો

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
પીએસઆઇના ભાઇની હત્યાના બનાવમાં એક આરોપી ઝડપાયો 1 - image


લાલપુર તાલુકાના ભણગોર ગામે

આરોપી એવા જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ તથા તેના પિતા ફરાર થઇ જતાં શોધખોળ

જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના વતની અને હાલ અમદાવાદમાં ફરજ બજાવતા એક પીએસઆઇના ભાઈની જૂની અદાવતના કારણે જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ અને તેના પિતા સહિત ત્રણ શખ્સો દ્વારા હત્યા નિપજાવી હોવાથી ત્રણેય સામે હત્યા અંગેનો અપરાધ નોંધાવ્યા પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ જેલ હવાલે કર્યો છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા વિરેન્દ્રસિંહ છોટુભા જાડેજા નામના ૨૭ વર્ષના ખેડૂત યુવાન પર હુમલો કરી હત્યા નિપજાવાઇ હતી. તેના ભાઈ અમદાવાદમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

હત્યાના બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જગદીશસિંહ જાડેજા અને તેના પિતા જગદીશ જાડેજા ઉપરાંત તેના સંબંધી કુંદનસિંહ રામભા જાડેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લાલપુર પોલીસે ફરારી આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું. જે કોમ્બિંગ દરમિયાન કુંદનસિંહ રામભા જાડેજા નામના એક આરોપીને ઝડપી લીધો હતો, જેને અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે તેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો હતો.  જામજોધપુરના પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા અને તેના પિતા જગદીશસિંહ જાડેજા કે જેઓ હત્યાના બનાવ પછી ભાગી છૂટયા હોવાથી પોલીસે બંનેને પકડવા દોડધામ શરૂ કરાઇ છે. બંનેના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતા હોવાથી પોલીસ દ્વારા કોલ ડીટેઇલ કઢાવાઇ હતી, અને તેઓનું મોબાઈલ ટાવર લોકેશન મેળવવા માટેના પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે.



Google NewsGoogle News