મકરસંક્રાંતિ પર્વે હણોલ ગામે અમૃત સરોવર લોકાર્પણ થયું
- દેશની 33 નદીઓના નીર સરોવરમાં ઠાલવવામાં આવ્યા
- સરોવરના નિર્માણથી ગામમાં ભૂગર્ભ જળ ઉંચા આવશે, હણોલની એકતા અને વિકાસ યાત્રાના દર્શન થયા
પાલિતાણાના હણોલ ગામે આયોજીત ત્રિદિવસિય વિકાસ મહોત્સવના બીજા દિવસે એટલે કે મકરસંક્રાંતિ તા.૧૪ને રવિવારે ઉતરાયણના દિવસે અમૃત સરોવર લોકાર્પણ ઉદ્યોગપતિ મધુકરભાઈ પારેખના હસ્તે થયું હતું. આ તકે કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, હણોલ ગામ જે વિકાસ કરી રહ્યું છે તેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ સાથેના આદર્શ ગામની પ્રેરણા રહેલી છે. તીર્થ ગામ હણોલ માટે પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને જહેમત ગ્રામજનોની રહેલી છે, હું નિમિત્ત માત્ર છું તેનો આનંદ છે. હજુ ઘણાં માળખાકીય અને સામાજિક ઉપક્રમોનો પ્રારંભ કરવાનો છે. અહીંના અમૃત સરોવરમાં દેશની ૩૩ પવિત્ર નદીઓના નીર ઠાલવવામાં આવ્યા છે જેથી આ સરોવર અસ્થિ વિસર્જન તીર્થ બની રહ્યું છે. આ ગામની પ્રેરણા લઈ અન્ય ગામો પણ સામાજિક સમરસતા સાથે વિકાસ સાધશે.તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ અંતમાં જણાવ્યું હતું.