અંબાજી મંદિરે પણ વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો નવો ફણગો, નિર્ણય પર પુન:વિચારની માગ
નાના પીરબાવા હિમાંશુગીરીએ પુનઃવિચારની માંગ ઉઠાવી
ગાદી પરંપરા મુજબ એક મહંત અને ટ્રસ્ટી હયાત હોય ત્યારે મંદિરનો વહીવટ તે સંભાળી જ શકે છે એવો દાવો
અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ ગાદીને લઈ
વિવાદ શરૂ થયો છે. અન્ય સાધુની ચાદરવિધી કરી દેવામાં આવતા આ વિવાદે વધુ જોર પકડયું
છે. રોજ વધતા જતા આ પ્રકરણને શાંત પાડવા તંત્ર દ્વારા અંબાજી મંદિર, ભીડભંજન અને
દત્તાત્રેય મંદિરમાં વહિવટદારની નિમણુંક કરી હતી. દત્તાત્રેય મંદિર અલગ ટ્રસ્ટમાં
છે છતાં ત્યાં વહિવટદારની નિમણુંક કરવામાં આવી હતી. આ નિર્ણય પર ફેર વિચારણા કરવા
માંગ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન અંબાજી મંદિરના નાના પીરબાવા હિમાંશુગીરી ગુરૂ ગણપતગીરીએ કહ્યું કે અંબાજી મંદિરની ગુરૃ પરંપરા મુજબ સમગ્ર મંદિરનો વહિવટ બે મહંત પોતે જ ટ્રસ્ટી તરીકે ચલાવતા આવ્યા છે, બે મહંત અને ટ્રસ્ટમાંથી કોઈ એક મહંત-ટ્રસ્ટી બ્રહ્મલીન થાય અને બીજા મહંત હયાત હોય તો અંબાજી મંદિર અને દત્ત શિખરનું સંચાલન હયાત મહંત અને ટ્રસ્ટી કરી શકે છે, વર્તમાન મહંત અને ટ્રસ્ટી તરીકે નાના પીરબાવા મહંત હિમાંશુગીરી ગુરૃ ગણપતગીરી છે તેમ છતાં તંત્રએ વહિવટદાર તરીકે મામલતદારની હંગામી નિમણુંક કરી છે જેની સામે નાના પીરબાવાએ સવાલ ઉઠાવ્યા છે અને મહંત તેમજ ટ્રસ્ટી હયાત હોવા છતાં કોઈ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વિના વહિવટદારની નિમણુંકનો નિર્ણય ભૂલ ભરેલો છે આથી તંત્ર આ નિર્ણય બાબતે પુનઃવિચાર કરે એવી તેણે માંગણી કરી છે.