રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગરમાં તપાસ યથાવત, અન્નપૂર્ણા ડ્રાઈનીંગ હોલ સીલ
- શહેર અને જિલ્લાના તમામ ગેમ ઝોન સંચાલકોને નિયમનુ પાલન કરવા આદેશ
- અન્નપૂર્ણા ડાઇનીંગ હોલમાંથી કોમર્શિયલ ગેસના 37 સિલીન્ડર મળી આવ્યા : શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિતની 12 બિલ્ડીંગમાં તપાસ કરાઈ
સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સરકારની સૂચના મુજબ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં આવેલ ગેમીંગ ઝોન, હોટલ્સ, મોલ્સ, રેસ્ટોરન્ટ તથા બેન્કવેટ હોલ વગેરે જેવી જગ્યાઓ જયા નાગરિકો મોટા પ્રમાણમાં એકત્રીત થાય છે તેવી જગ્યાઓમાં ફાયર સેફટી અને તેને સંલગ્ન અન્ય બાબતોની ચકાસણી કરવા કમિટીની રચના કરવામાં આવી છે. ગત રવિવારે શહેર અને જિલ્લામાં ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી અને જે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી સહિતના નિયમનુ પાલન થતુ ન હતુ તે ગેમ ઝોનને સીલ કર્યા હતાં. તમામ નિયમનુ પાલન થયા બાદ ગેમ ઝોનને શરૂ કરવા મંજૂરી અપાશે. આજે સોમવારે પણ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં મહાપાલિકાની ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ સહિતની ૧ર બિલ્ડીંગમાં તપાસ કરવામાં આવી હતી અને ટોપ થ્રી સર્કલ પાસે આવેલ અન્નપૂર્ણા ડ્રાઈનીંગ હોલમાં નિયમનુ પાલન થતુ ન હોવાથી સીલ મારવામાં આવ્યા હતાં. આ ડ્રાઈનીંગ હોલમાં કોર્મશીયલ ૩૭ ગેસ સીલીન્ડર પડયા હતા તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે.
મહાપાલિકાની કમિટી દ્વારા આગામી દિવસોમાં હોસ્પિટલ, સ્કૂલ, ટયુશન કલાસ, ધાર્મિક સ્થળ સહિતની જગ્યામાં સરકારની સૂચના મુજબ ફાયર સેફ્ટી વગેરેની તપાસ કરાશે તેમ જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ અધ્યક્ષ સહિત ૭ સભ્યની કમિટી બનાવી છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ-ભાવનગર શહેર, કાર્યપાલક ઈજનેર-સીટી એકમ-૧,પી.જી.વી.સી.એલ., ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર/ ટાઉન પ્લાનીંગ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., એસ.પી. કચેરી, ભાવનગર., નાયબ કાર્યપાલક ઈજનેર, (ઈલે.મીકે.) ભાવનગર મહાનગરપાલિકા ઈલેકટ્રીકલ ઈન્સ્પેકટર, ઈલેકટ્રીકલ ઈન્સ્પેકટરની કચેરી-ભાવનગર વગેેરેનો સમાવેશ થાય છે. શહેર અને જિલ્લામાં સરકારી તંત્રએ તપાસ હાથ ધરતા નિયમનુ પાલન નહીં કરતા વેપારી-સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.