દિવાળી પર્વ બાદ ફરી મનપાની કામગીરી શરૂ, 2 દિવસમાં 34 રખડતા ઢોર પકડયા
- 15 દિવસ પૂર્વે 40 થી વધુ ઢોર પકડતા હતા, કામગીરી ધીમી પડી
- શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરાઈ : કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત
ભાવનગર મહાપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી યથાવત છે પરંતુ એક માસ પૂર્વે મનપા દ્વારા ધીમી કામગીરી કરવામાં આવતી હતી, ત્યારબાદ હાઈકોર્ટે હુકમ કરતા ૧પ દિવસ પૂર્વે રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી કરવામાં આવી હતી અને રોજના ૪૦થી વધુ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવતા હતાં. દિવાળી પર્વ પૂર્વે કામગીરી ધીમી પડી ગઈ હતી અને દિવાળીના દિવસોમાં કામગીરી ઠપ્પ હતી પરંતુ છેલ્લા બે દિવસથી મનપાએ ફરી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. મહાપાલિકાએ છેલ્લા બે દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી આશરે ૩૪ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા છે, જેમાં આજે સોમવારે ૧પ રખડતા ઢોર પકડવામાં આવ્યા હતાં.
પહેલાની સરખામણીએ રખડતા ઢોર પકડવાની કામગીરી ધીમી થઈ રહી છે ત્યારે આ કામગીરી ફરી ઝડપી કરી રખડતા ઢોરનો ત્રાસ અટકે તેવુ આયોજન કરવા લોકોની માંગણી ઉઠી રહી છે. હજુ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે મનપાએ લાલ આંખ કરવી જરૂરી છે. મનપાની કામગીરીના પગલે ઢોરને છુટા મુકી દેતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હોવાનુ ચર્ચાય રહ્યુ છે. રખડતા ઢોર પકડવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે.