For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઝાદીના 7 દાયકા બાદ કોટિયા ગામે એસટી બસ પહોંચી, ગામ લોકોએ સામૈયા કર્યાં

Updated: Apr 27th, 2024

આઝાદીના 7 દાયકા બાદ કોટિયા ગામે એસટી બસ પહોંચી, ગામ લોકોએ સામૈયા કર્યાં

- મહુવા તાલુકાના કોટિયા ગામમાં અનેક રજૂઆતો બાદ બસ શરૂ થતાં ગામમાં ઉત્સવ જેવો માહોલ

- તળાજા અને ઠળિયામાં અભ્યાસ માટે અપ-ડાઉન કરતા 20-22 વિદ્યાર્થીઓ અને 10-12 રત્નકલાકારો સાથે જ ગ્રામજનોને મળશે સુવિધાનો લાભ

ભાવનગર : દેશ આઝાદ થયો તેને સાત દાયકા વિતી ચુક્યા હોવા છતાં હજુ પણ એવા ઘણાં ગામો છે જ્યાં સરકારની ઘણી સુવિધાઓ પહોંચી નથી. હજુ પણ જિલ્લામાં અનેક એવા ગામડાઓ છે જ્યાં સરકારી એસટી બસ પહોંચી નથી. આ સ્થિતિ વચ્ચે મહુવા તાલુકાના કોટિયા ગામે આઝાદીના ૭૭ વર્ષ બાદ પહેલીવાર એસટી બસ આવતા ગામના લોકોએ એસટી બસના સામૈયા કર્યાં હતા અને ડ્રાઈવર કંડક્ટરનું સમ્માન કર્યું હતું. ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમા બસ શરૂ થવાથી નાગરિકોને મોટી રાહત મળી છે.

મહુવા, પાલિતાણા, જેસર અને તળાજા એમ ચાર તાલુકાની બોર્ડપ પર આવેલું અને સત્તાવાર રીતે મહુવા તાલુકામાં આવતા કોટિયા ગામમાં આઝાદીના ૭૭ વર્ષ પછી આજે પહેલીવાર એસટી બસ આવતા ગામ લોકોએ એસટી બસનું સ્વાગત કર્યું હતું. ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા કોટિયા ગામમાં આજે પહેલીવાર એસટી બસ આવતી હોવાથી ગામ લોકોએ બસનું સ્વાગત કરવાનું નક્કી કર્યું. આજે સવારે જ્યારે તળાજા-કોટિયા રૂટની એસટી બસ ગામમાં ગામ લોકોએ એસટી બસના સામૈયા કર્યાં. કુંવારિકાઓ દ્વારા બસના સામૈયા કરાવ્યા બાદ બસના ડ્રાઈવર અને કંડક્ટર બંનેનું કંકુ-ચાંલ્લો તથા શાલ ઓઢાડીને સમ્માન કરવામાં આવ્યું તેમજ મોં મીઠું કરાવ્યું હતું. તેમજ ગામમાં ગોળ-ધાણા વેચવામાં આવ્યા હતા. આ બસ કોટિયા ગામમાં સવારે ૧૦ વાગ્યા આસપાસ અને સાંજે પાંચ વાગ્યા આસપાર નિયમિત આવશે. આ બસ સેવા શરૂ થવાથી કોટિયા ગામથી તળાજા અને ઠળિયા ગામમાં અભ્યાસઅર્થે અપ-ડાઉન કરતા ગામના ૨૦થી ૨૨ વિદ્યાર્થીઓને તથા વ્યવસાયઅર્થે અપ-ડાઉન કરતા ગામના ૧૦થી ૧૨ રત્નકલાકારોને સુવિધાનો લાભ મળશે. આઝાદી પછીથી ગ્રામ પંચાયતની દરેક બોડીએ બસ માટેની સતત રજૂઆત કરી હતી. કોટિગા ગામના આગેવાનો દ્વારા છેલ્લા ૩ વર્ષથી દર મહિને બે વાર સતત રજૂઆતો બાદ તળાજા ડેપો દ્વારા આ બસ શરૂ થતાં ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.

બસ માટે અમારી રજૂઆત શરૂ રહેશે

કોટિયા ગામના રહેવાસી વહતુભાઈ કામળિયાએ જણાવ્યું કે, લોકશાહી આવ્યા બાદ પહેલીવાર બસ આવતી હોવાથી આપણી સંસ્કૃતિને અનુરૂપ સ્વાગત કરવાનું ગામ લોકોએ વિચાર્યું અને અમે આ સુવિધાને આવકારી, અમારા નાના ગામમાં અત્યારે એક બસ શરૂ થઈ છે. તળાજા ડેપોમાં અમારી સતત રજૂઆતને સફળતા મળી છે. આગામી દિવસોમાં મહુવા ડેપોમાંથી પણ બસ મળે તે માટે સતત રજૂઆતો કરતા રહેશું. ખાસ તો રાતના સમયની એક બસ શરૂ થાય તેવા અમારા પ્રયાસ રહેશે.

Gujarat