Get The App

ભાવનગર જિલ્લામાં તહેવારોના પગલે તિક્ષ્ણ હથિયાર લઈ ફરનાર સામે કાર્યવાહી કરાશે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ભાવનગર જિલ્લામાં તહેવારોના પગલે તિક્ષ્ણ હથિયાર લઈ ફરનાર સામે કાર્યવાહી કરાશે 1 - image


- તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકારી તંત્રના પ્રયાસ 

- મહાશિવરાત્રિ, ઢેબરા તેરસ, હોળી સહિતના તહેવારોમાં હથિયારબંધી અમલમાં 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ચાલુ માર્ચ-એપ્રિલ ૨૦૨૪નાં માસ દરમિયાન આગામી તા. ૦૮ માર્ચે મહાશિવરાત્રિ, તા. ૧૨મીએ રામકૃષ્ણ પરમહંસ જયંતિ, તા. ૧૩મીએ વિનાયક ચતુર્થી, તા. ૨૨મીએ ઢેબરા તેરસ, તા. ૨૪ માર્ચે હોળી, તા. ૨૫ માર્ચે શિવાજી જયંતિ તથા આગામી તા. ૦૨ એપ્રિલે જૈન વર્ષીતપ પ્રારંભ  તથા કાલાષ્ટમી વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં હથિયારબંધી કરવામાં આવેલ છે. 

જિલ્લામાં હથિયારબંધીના પગલે લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે, છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા વગેરે જેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. કોઈએ આગામી તા. ૦૫ એપ્રિલ-૨૦૨૪ સુધી કોઈ વ્યક્તિ કે વ્યક્તિનાં સમુહ દ્વારા જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા દંડા, બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજવસ્તુઓ કે હથિયારો જાહેરમાં લઈ જવા નહિ. કોઈ પણ જાહેર જગ્યામાં લોકોને શારીરીક નુકશાન કરે તેવા પદાર્થો તથા લાયસન્સ/પરમીટ વગર સ્ફોટક પદાર્થ લઈ જવા, લાવવા નહિ. 

પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકી શકાય તેવા કોઈ સાધન સામગ્રી કે યંત્રો જાહેરમાં એકઠા કરવા/તૈયાર કરવા તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર સક્ષમ અધિકારીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ. વ્યક્તિ કે વ્યક્તિના જુથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના સમુહના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા નહિ. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


Google NewsGoogle News