તરૂણીને લગ્નની લાલચ આપી વાડીમાં લઈ જઈને દૂષ્કર્મ, આરોપી ઝબ્બે

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
તરૂણીને લગ્નની લાલચ આપી વાડીમાં લઈ જઈને દૂષ્કર્મ, આરોપી ઝબ્બે 1 - image


- આજી ડેમ પોલીસ મથક વિસ્તારની ઘટના

- આરોપી ભોગ બનનારને વાડીએ રાખી શારીરિક શોષણ કર્યા બાદ તેનાં ઘર નજીક મુકી ભાગી ગયો

રાજકોટ : રાજકોટમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી દૂષ્કર્મ ગુજારાયાનો બનાવ જાહેર થયો છે. આજી ડેમ પોલીસે અપહરણ, દૂષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપી વનરાજ મોહન અજાડીયા (ઉ.વ.૧૯, રહે. ખોખડદળ ગામ પાસે, બીલીપત્ર પાર્ટી પ્લોટ સામે)ની અટકાયત કરી હતી. 

ભોગ બનનારની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પહેલાં પતિનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. જેના થકી તેને બે પુત્ર અને બે પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જેમાંથી સૌથી નાની પુત્રીની ઉંમર ૧૪ વર્ષ ૬ માસ છે. જે કેટરર્સમાં કામે જાય છે. એકાદ વર્ષ પહેલાં તેની આ પુત્રીને આરોપી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની તેને જાણ થતાં પુત્રીને સંબંધ તોડી નાખવા સમજાવટ કરી હતી. 

ગઈ તા.૧૩ ડિસેમ્બરના રોજ બપોરે તેની પુત્રી કેટરર્સના કામે જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ પરત આવી ન હતી. તેની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો. ગઈકાલે સાંજે તેની પુત્રી પરત આવી હતી. કયાં ગઈ હતી તે બાબતે પૂછતાં કહ્યું કે તેને આરોપી સાથે પ્રેમસંબંધ હોવાથી આરોપીએ તેને લગ્નની લાલચ આપી હતી. બાદમાં તેને બસમાં બેસાડી ગોંડલ તરફ લઈ ગયો હતો. 

જયાં આરોપીએ જે વાડી વાવવા રાખી હતી ત્યાં તેને રાખી તેની ઉપર ચારથી પાંચ વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ગઈકાલે ઘર નજીક મુકી જતો રહ્યો હતો. જેથી પરિવારના સભ્યોએ ચર્ચા વિચારણા કર્યા બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News