ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ચાર યુવાનોના કરૂણ મોત
ગુંદાળા ચોકડી નજીક ગોંડલ-જેતપુર હાઇવે મરણ ચીસોથી ગાજી ઉઠયો
ધોરાજી તરફ જઈ રહેલી સ્વિફ્ટના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી બોલેરો ઉપર પડતા બન્ને કારનો બુકડો
ગોંડલ: ગોંડલ નેશનલ હાઇવે પર ગોંડલની ગુંદાળા ચોકડી અને જામવાડી ચોકડી વચ્ચે વહેલી સવારે ૪ વાગ્યે સ્વિફટ કાર અને બોલેરો કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલનાં બે યુવાનો, જૂનાગઢનો એક યુવાન અને ધોરાજીનો એક યુવાન એમ કુલ ૪ યુવાનોનાં કરુણ મોત નિપજ્યા હતા.અકસ્માત એટલી હદે ભયાનક હતો કે બન્ને વાહનોનો બુકડો બોલી ગયો હતો.બનાવનાં પગલે ઇમરજન્સી ૧૦૮, શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તથા નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી જઇ ચારેય મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યે ગોંડલથી જેતપુર જતા નેશનલ હાઇવે પર ગોંડલની ગુંદાળા ચોકડીથી આગળ રાધિકા ફર્નિચર સામે ધોરાજી તરફ જઈ રહેલી સ્વિફટ કારના ચાલકે સ્ટિયરીગ પરનો કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર ડિવાઇડર ઠેકી જામવાડી ચોકડી તરફથી આવી રહેલી બોલેરો કાર ઉપર ધડાકાભેર પડતા બન્ને ગાડીઓનો બુકડો બોલી ગયો હતો.અને મરણ ચીસોથી હાઇવે ગાજી ઉઠયો હતો.૨૦ ફૂટની પલ્ટી ખાઇ જતા સ્વિફ્ટ કારનું અન્જિન છૂટું પડી ફકાઇ ગયું હતું.
અકસ્માતમાં બોલેરો કારમાં રહેલા ગોંડલના મારુતી નગરમાં રહેતા સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૫) તથા તેમના મિત્ર મહાકાળીનગરમાં રહેતા ક્રીપાલસિંહ હરભમસિંહ જાડેજા (ઉ.વ.૩૯) ઉપરાંત સ્વિફટ કાર માં રહેલા ધોરાજીનાં ઉપલેટા રોડ, મદાર વાડીમાં રહેતા વિરેનભાઇ દેસુરભાઇ કરમટા (ઉ.વ.૧૯) તથા તેના મિત્ર જૂનાગઢ સુદામા પાર્કમા રહેતા સિધ્ધાર્થભાઇ કિશોરભાઈ કાચા (ઉ.વ.૨૯)નાં ગંભીર ઇજાનાં કારણે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતમાં મોતને ભેટનાર ગોંડલનાં સિધ્ધરાજસિંહ ઝાલા પરિણીત હતા. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હોવાનું અને માઉન્ટ આબુમાં હોટેલ ચલાવતા હોવાનુ જાણવા મળેલ છે. જ્યારે ક્રીપાલસિંહ જાડેજા મહાકાળીનગરમાં રહેતા હતા.અને અપરિણીત હતા. ત્રણ ભાઇઓના પરીવારમાં નાના હતા.એક વર્ષ પહેલા તેમના ભાઈનું મૃત્યુ થયુું હતું .જ્યારે તેમના માતાનું હજુ ત્રણ મહીના પહેલાં મૃત્યુ થયું હતું.ક્રીપાલસિંહ મુળ માણેકવાડાનાં વતની હતા.સિધ્ધરાજસિહ તથા ક્રીપાલસિંહ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય અકસ્માતનાં પગલે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં યુવાનોના ટોળા જામ્યા હતા.બનાવ અંગે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસે સિધ્ધરાજસિંહના નાના ભાઇ રૂષિરાજસિંહ નર્ન્દ્રસિંહ ઝાલાની ફરિયાદના આધારે સ્વિફ્ટ કારના ચાલક સિધ્ધાર્થ કાચા સામે ફરિયાદ નોંધી અકસ્માતની તપાસ હાથ ધરી છે.
ગોંડલના બન્ને મિત્રો સુરેશ્વર મંદિરે જતા હતા ત્યારે અકસ્માત
ગોંડલના સિધ્ધરાજસિંહ અને તેના મિત્ર ક્રીપાલસિંહ બન્ને જણા રાત્રે સિંધ્ધરાજસિંહની બોલેરો લઇ રાત્રે એક વાગ્યે હાઇ-વે પર નાસ્તો કરવા નિકળ્યા હતા.અને પછી રાત્રે ૩.૩૦ વાગ્યે સિધ્ધરાજસિંહે તેમના નાના ભાઇ રૂષિરાજસિંહને કે જે સુરેશ્વર મહાદેવ મંદિરે તેમના મિત્રો સાથે હતા. તેને ફોન કર્યો હતો કે અમે સુરેશ્વર મહાદેવ મંદિરે આવીએ છીએ. અને તેઓ મંદિરે આવતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો.
ધોરાજીના યુવાનનું જન્મદિને જ મોત નિપજતા પરિવારમાં આક્રંદ
ધોરાજીનાં વિરેનભાઇ દો. ૧૨માં અભ્યાસ કરતા હતા.અને પરીવારમાં એકના એક પુત્ર હતા.બનાવની કરુણતા એ હતી કે આજે વિરેનભાઇનો જન્મદિવસ હતો. જ્યારે મૂળ ધોરાજિના અને હાલ જૂનાગઢ રહેતા સિધ્ધાર્થભાઇ ફનચરનું કામ કરતા હતા. તે ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ હતા.આ બન્ને મિત્રો તેના એક મિત્રને રાજકોટ મુકવા ગયા હતા.અને પરત ધોરાજી જતા હતા. ત્યાર કાળનો ભેટો થયો હતો.