પીપળી-વટામણ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત, 3 ના મોત
- ગમખ્વાર ઘટનામાં સિહોર પંથકના બે અને બિહાર રાજ્યના એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો
- એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ : અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો, પોલીસ દોડી ગઈ
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારોલમાં આવેલી ચોપડા લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવર બનસરૂપન રામલગન મહેતા (રહે, મોધુરાપુર, અકોધીગોલા, જિ. રોહતાસ, બિહાર, હાલ સ્વસ્તિક કોમ્પલેક્ષ, ચોપડા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ નગર, ગોકુલેશ પંપની બાજુમાં, નારોલ ચોકડી, નારોલ, અમદાવાદ) અને સુધીરસિંઘ વિજયસિંઘ રાજપૂત (ઉ.વ.૪૮, રહે, મુળ બિસનપુર બેરી, તા.જિ. સમસ્તીપુર, બિહાર, હાલ, વિજયરાજનગર, શાંતિનગર, મકાન નં.૩૯, જૂના નારોલ કોર્ટ પાછળ, અમદાવાદ) આજે બુધવારે વહેલી સવારના સમયે તેમની કંપનીનો ટ્રક નં.જીજે.૦૧.સીએક્સ.૦૩૮૬ લઈને અધેળાઈથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ સવારના છ વાગ્યાના અરસામાં ધોલેરા તાલુકાના પીપળી-વટામણ હાઈવે પર પીપળી ગામથી બે કિ.મી. દૂર વટામણ તરફથી યમદૂત બનીને આવી રહેલ આઈસર નં.જીજે.૦૪.એટી.૮૨૬૨ના ચાલકે ટ્રક સાથે સામેના ભાગેથી ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં ટ્રકના ચાલક બનસરૂપન મહેતા અને આઈસરનો ચાલક બાલા ભરતભાઈ રાઠોડ (રહે, રામનાથ રોડ, જૂના સિહોર, સિહોર, જિ.ભાવનગર)ને ગંભીર ઈજા થતાં બન્ને ડ્રાઈવરનું વાહનની કેબીનમાં જ મૃત્યુ થયું હતું. જ્યારે આઈસરમાં બેઠેલા ધીરૂભાઈ રતનભાઈ પરમાર (ઉ.વ.૩૭, રહે, કાજાવદર, તા.સિહોર)ને ગંભીર ઈજાઓ સાથે ૧૦૮ મારફત ધંધુકા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં યુવકનું મૃત્યુ થતા આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ટ્રકમાં સવાર સુધીરસિંધ રાજપૂતનો ચમત્કારિક બચાવ થતાં તેમને શરીર પર એક પણ ઈજા થઈ ન હતી.
પીપળી-વટામણ હાઈવે પર વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના પગલે વાહનોની લાંબી લાઈનો થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ધોલેરા પોલીસે દોડી જઈ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. બનાવ અનુસંધાને સુધીરસિંઘ વિજયસિંઘ રાજપૂતએ આઈસરના મૃતક ચાલક બાલાભાઈ રાઠોડ (રહે, રામનાથ રોડ, સિહોર) સામે ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી ૨૭૯, ૩૦૪એ, એમવી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.