આધાર 2.0 બોગસ બિલિંગ કૌભાંડમાં બે માસ બાદ ફરાર આરોપી ઝડપાયો
- કૌભાંડ ઉજાગર થયા બાદ ભાવનગરનો શખ્સ લાંબા સમયથી ફરાર હતો
- સ્ટેટ જીએસટીની ટીમે ભાવનગર આવી સોમવારે મોડી રાત્રે સલીમ દૌલાની ધરપકડ કરી, 30 મી સુધી રિમાન્ડ પર
ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે સ્ટેટ જીએસટી વિભાગની એક ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી તપાસઅર્થે આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં ચાલતા બોગસ બિલિંગના આધાર ૧.૦ અને આધાર ૨.૦ એમ બે કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યા હતા. જેમાં આધાર ૨.૦માં પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી. આધાર ૨.૦ ઉજાગર થયાના આશરે બે મહિના બાદ સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે. આમાં સંડોવાયેલા સલીમ દૌલા લાંબા સમયથી ફરાર હતો. જે ભાવનગર હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સોમવારે સાંજે ક્રેસન્ટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. સ્ટેટ જીએસટી વિભાગના સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને આવેલી ટીમે ક્રેસન્ટ વિસ્તારમાં સાંજના સમયે ઘર અને આરોપીને શોધવાની કવાયત આદરી હતી અને મોડી સાંજે સલીમ દૌલાને ઝડપી અમદાવાદ લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. જીએસટી વિભાગ દ્વારા આરોપીને અમદાવાદ લઈ જઈ રિમાન્ડની તજવીજ હાથ ધરતા સલીમ દૌલાના ૩૦ તારીખ સુધીના રિમાન્ડ મંજુર થયાં છે. આરોપીના રિમાન્ડમાં આગામી દિવસોમાં કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહી.
બોગસ બિલિંગ કૌભાંડ અને તપાસનું કેન્દ્ર બદલાયું
બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે ભાવનગર દેશભરમાં ચર્ચામાં આવ્યું છે. આ કૌભાંડ ઉજાગર થયાં બાદ તંત્રની આકરી કાર્યવાહીથી બચવા માટે કૌભાંડ આચરનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાં બાદ હવે તેમના બદ્ઈરાદાઓ અન્ય શહેરોમાંથી અંજામ આપતા હોવાની ચર્ચા છે. બીજી તરફ આ સમગ્ર કૌભાંડની તપાસ અને તે અંગેના નિર્ણયો પણ અમદાવાદથી જ થતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.