આવ રે... વરસાદ : ગારિયાધારમાં અને જેસરમાં ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદ
- ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન, શહેરમાં હજુ વરસાદની રાહ...
- ગારિયાધાર અને જેસરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો : રાજપરા, દેપલા, વેળાવદર, બેલા, વીરડી, પચ્છેગામ સહિતના ગામડાઓમા વરસાદથી ખેડૂતોમાં ખુશી
ગઈકાલે પાલિતાણા બાદ આજે જિલ્લાના ગારિયાધાર અને જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. ગારિયાધારમાં આજે બપોર સુધી તડકા સાથે બફારાવાળું વાતાવરણ હતું પરંતુ બપોર પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ગારિયાધારમાં આજે દિવસ દરમિયાન પોણા બે ઈંચ જેટલો વરસાદ (૪૬ એમએમ) પડયો હતો. ગારિયાધાર શહેર સિવાય આજે વેળાવદર, બેલા, વીરડી, પચ્છેગામ સહિતના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. ગારિયાધાર પંથકમાં પહેલા વરસાદે જ પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી વરસાદ આવતાની સાથે જ વીજળી ડૂલ થઈ હતી. ભારે વરસાદના પગલે શહેરના આશ્રમ રોડ વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા તથા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ગારિયાધાર ઉપરાંત જેસર પંથકમાં પણ આજે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. આજે દિવસ દરમિયાન જેસરમાં એક ઈંચથી વધું (૨૫ એમએમ) વરસાદ પડયો હતો. જેસર શહેર ઉપરાંત તાલુકાના દેપલા, રાજપરા સહિતના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે જિલ્લાના પાલિતાણા, તળાજા અને સિહોર બાદ આજે ગારિયાધાર અને જેસર પંથકમાં મેઘરાજા મહેરબાન થયાં છે. જોકે ભાવનગર શહેરમાં હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આજે ગારિયાધાર અને જેસરમાં ગાજવીજ સાથ વરસાદ પડી જવાથી ખેડૂતોને વાવણી શરૂ કરી દીધી છે. જિલ્લામાં સારા એવા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ખેડૂતો ભીમ અગિયારસના દિવસે વાવણીનું મૂહુર્ત કરતા હોય છે ત્યારે આ વરસાદે ખેડૂતોનું મુહૂર્ત સાચવી લીધું છે અને આ વર્ષ સારું રહે તેવું જગનોતાત ઈચ્છી રહ્યો છે. ગારિયાધાર, જેસર ઉપરાંત તળાજામાં પણ આજે ૧ એમએમ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં હજુ ત્રણ દિવસ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
ભાવનગરમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું
એક તરફ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે જ્યારે બીજી તરફ ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ જ એટલું જ રહે છે. આજે શનિવારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૮ ડિગ્રી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે લઘુતમ તાપમન ૦.૧ ડિગ્રી ઘટયું છે જ્યારે મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રીએ આજે પણ સ્થિર રહ્યું છે. ગઇકાલે મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૯ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને ૬૦ ટકા રહ્યું હતું જ્યારે આજે સવારે પવનની ગતિ ૧૪ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૩૮ કિમી પ્રતિકલાક નોંધાઈ હતી. ઠંડા પવન અને ભેજના કારણે બપોરનો સમય બાદ કરતા દિવસ અને રાતે ગરમીમાં રાહત રહે છે. બપોરના સમયે તડકાના કારણે ગરમી અનુભવાઈ રહી છે.