ખેડૂતવાસના યુવકનું સારવારમાં મોત, બનાવ હત્યામાં પરિણમ્યો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ખેડૂતવાસના યુવકનું સારવારમાં મોત, બનાવ હત્યામાં પરિણમ્યો 1 - image


- પોલીસે કરચલિયા પરાના ત્રણેય શખ્સોને ઉઠાવી લીધા

- ઘોઘાસર્કલ પાસે એક્સેસે ગાડી ઉપર બેસેલા યુવાનને છરીના ઘા ઝીંકી દેવાતા હોસ્પિટલ બીછાને દમ તોડયો  

ભાવનગર : શહેરના ઘોઘાસર્કલ પાસે પાન-માવો ખાવા ગયેલો યુવાન બાઈક ઉપર બેઠો હતો. ત્યારે ત્રણ શખ્સે ૧૦ દિવસ પૂર્વે થયેલા ઝઘડાની અદાવત રાખી છરીના આડેધડ ઘા ઝીંકી દેતા રત્નકલાકાર યુવાનને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજે યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દેતા મારા મારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસ, રૂવાપરી રોડ સરકારી સ્કૂલની બાજુમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી (ઉ.વ ૨૨) ગત રવિવારે ઘોઘાસર્કલમાં આવેલ ભવાની પાન પાસે પાન-માવો ખાવા ગયા બાદ રોડ ઉપર પોતાની એક્સેસ ગાડી ઉપર બેઠા હતા. તે સમયે કોઈ બેથી ત્રણ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરતા મનીષભાઈને ગંભીર ઈજા સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સર.ટી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બુધવારે મનીષભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતાં મારમારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો 

આ બનાવ અંગે યુવાનના કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી (ઉ.વ.૫૨)એ ત્રણ અજાણ્યા શખ્સ સામે ઘોઘારોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના દિકરા સાથે દસેક દિવસ પહેલા મોખડાજી સર્કલ પાસે ભીમો અને તેની સાથેના બે અજાણ્યા શખ્સે લાફા ઝીંકી મારામારી કરી હતી. જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખી ત્રણેય શખ્સે જ છરી વડે ગંભીર ઈજા પહોંચાડયાની શંકા તેમણે પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે સુનિલ ઉર્ફે ગોપો ગોવિંદભાઈ બારૈયા, આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહેલ અને સાજન ખનાભાઈ (રહે, તમામ આગરિયાવાડ, કરચલિયા પરા) નામના શખ્સોને ઝડપી લઈ હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News