Get The App

શહેરના સુભાષનગરની મારામારીમાં ઘાયલ યુવાને હોસ્પિટલમાં દમ તોડયો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
શહેરના સુભાષનગરની મારામારીમાં ઘાયલ યુવાને હોસ્પિટલમાં દમ તોડયો 1 - image


- હાથઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે બે શખ્સે ઘરે બોલાવી હુમલો કર્યો હતો

- ડોક્ટરનો અભિપ્રાય-પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો થશે, મૃતક ડાયાબીટીસનો દર્દી હતો : પીઆઈ

ભાવનગર : શહેરના સુભાષનગર, દેવીપૂજકવાસમાં ચાર દિવસ પહેલા હાથઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા મામલે યુવકને ઘરે બોલાવી બે સગાભાઈઓએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બનાવમાં ઘવાયેલા યુવકે હોસ્પિટલમાં દમ તોડી દીધો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના સુભાષનગર, પંચવટી ચોક પાસે આવેલ આશીષ મંડપવાળા ખાંચામાં, પ્લોટ નં.૧૨૬માં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ વેગડ (ઉ.વ.૪૨)એ સુભાષનગરના દેવીપુજકવાસમાં રહેતા તેમના મિત્ર પપ્પુભાઈ ભરવાડિયાને એક માસમાં રૂપિયા પરત આપવાની બોલીએ ૨૦ હજાર રૂપિયા હાથઉછીના આપેલા હતા. દરમિયાન હરેશભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે નાણાંની ઉઘરાણી કરતા પપ્પુભાઈના દિકરા ભગાએ હરેશભાઈને ફોન કરીને ઝઘડો કરી ગત તા.૩૧-૭ના રોજ તેના ઘરે બોલાવતા હરેશભાઈ વેગડ રૂપિયા લેવા માટે શખ્સના ઘર દેવીપૂજકવાસમાં જતાં ત્યાં હાજર પપ્પુભાઈના દિકરા સંજય અને ભગા ભરવાડિયાએ હરેશભાઈ સાથે ગાળાગાળી-ઝઘડો કરી કમરના ભાગે કોશનો એક ઘા ઝીંકી ઢીકાપાટું અને ધોકા વડે માર માર્યો હતો. જે બનાવમાં ગંભીર ઈજા પામેલા યુવકને સારવાર અર્થે પ્રથમ ખાનગી બાદ સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમીયાન તેમનું રવિવારે રાત્રિના સમયે મોત થયું હતું. 

મારામારીમાં ઘાયલ થયેલા યુવાનનું હોસ્પિટલમાં મોત થયાની ઘટના મામલે ઘોઘારોડ પીઆઈ એ.ડી. ખાંટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક હરેશભાઈ વેગડ ડાયાબીટીસના દર્દી હતી. જેથી ગંભીર મારના કારણે તેમનું મોત થયું છે કે કેમ ? તે બાબતે ડોક્ટરનો અભિપ્રાય-પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે. આ ઉપરાંત યુવક પર હુમલો કરનાર બન્ને શખ્સની અગાઉ ધરપકડ કરી ચુકાઈ છે અને બન્ને શખ્સ હાલ જેલમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

મારામારીની ઘટના હત્યામાં પરિણમતા ઘોઘારોડ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News