મહુવામાં યુવાનનું અપહરણ કરી છ શખ્સે ઢોર માર માર્યો
બે માસ પૂર્વે સોસાયટીમાં કાર લઈ આવી ટીખળ-મશ્કરી કરવાની ના પાડતા
કારમાંથી નીચે ઘા કરી ધોકાથી આડેધડ માર મારતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો
ભાવનગર: મહુવા શહેરમાં બે માસ પૂર્વે બે શખ્સને સોસાયટીમાં કાર લઈ આવી ટીખળ-મશ્કરી કરવાની ના પાડયાની દાઝ રાખી છ શખ્સે યુવાનનું અપહરણ કરી લઈ જઈ ઢોર માર માર્યો હતો.
ઘટના સંદર્ભે મળતી વિગત અનુસાર મહુવા શહેરના મુનિનગરની પાછળ, રાધેશ્યામ પાર્ક, પ્લોટ નં.૫૪માં રહેતા ભાવિકભાઈ સવજીભાઈ મોઠિયા (ઉ.વ.૨૯)ની સોસાયટીમાં બે માસ પૂર્વે કિઆ કાર નં.જીજે.૦૪.ઈઈ.૫૫૫૪ની લઈ પ્રિન્સ અરવિંદભાઈ વાળા અને યશ અનિલભાઈ સોલંકી નામના શખ્સો યુવતીઓને લઈ આવી ટીખર-મશ્કરી કરતા હોય, જેથી ભાવિકભાઈએ ટીખળ-મશ્કરી કરવાની ના પાડતા તે બાબતની દાઝ રાખી ગત તા.૨૬-૮ના રોજ પ્રિન્સ વાળા, યશ સોલંકી, વેદાંત રાઠોડ અને કાર્તિક બારૈયાએ ઘરે આવી ભાવિકભાઈને રાધેશ્યામ સોસાયટીના નાકે લઈ જઈ ત્યાં ઢીકાપાટુંનો માર મારી ગાળો દઈ ઉચકી કારમાં બેસાડી અપહરણ કરી કોલેજ ચોકડી પાસે લઈ ગયા હતા. અહીં ચારેય શખ્સે ધોકા વડે આડેધડ માર મારી નાસી ગયા હતા. થોડીવાર બાદ એક બાઈકમાં જસરાજ અને અજાણ્યા શખ્સે આવી કેમ પ્રિન્સના કામમાં દખલગીરી કરે છો ? તેમ કહીં ઢીકાપાટુંનો માર મારતા યુવાનને સારવાર માટે પ્રથમ મહુવાની સરકારી બાદ હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે ભાવિકભાઈએ પ્રિન્સ અરવિંદભાઈ વાળા (રહે, મહુવા), યશ અનિલભાઈ સોલંકી (રહે, ટેલિફોન સોસાયટી, મહુવા), વંદાત રાજેશભાઈ રાઠોડ (રહે, શાસ્ત્રીનગર, મહુવા), કાર્તિક બારૈયા (રહે, નેસવડ, તા.મહુવા), જસરાજ અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદના આધારે મહુવા પોલીસે બીએનએસની કલમ ૧૨૬ (૨), ૧૪૦ (૩), ૧૧૫ (ર), ૩૫૨, ૫૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.