Get The App

સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી યુવકની મોતની છલાંગ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી યુવકની મોતની છલાંગ 1 - image


- દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા યુવકને ફોટો અને ફિંગર પ્રિન્ટ લેવા પોલીસ ઉપરના માળે લઈ ગઈ હતી

- ડિવાયએસપી, એલસીબી, એલઆઈબીની ટીમ દોડી ગઈ, મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો

સિહોર : સિહોર પોલીસ મથકની બિલ્ડીંગના બીજા માળેથી દારૂના કેસમાં પકડાયેલા યુવકે મોતની છલાંગ મારી હતી. પોલીસ કસ્ટડીમાં રહેલો યુવાન નીચે પટકાતા કપાળના ભાગે જીવલેણ ઈજા થતાં તેનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં પાલિતાણા ડિવાયએસપી, એલસીબી, એલઆઈબીની ટીમ સિહોર દોડી આવી હતી. જ્યારે મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મળતી વિગત અનુસાર સિહોર શહેરના ધુમડશા વિસ્તાર, નવા ભીલવાડા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) નામના યુવાનને ગઈકાલે તા.૨૨-૨ને ગુરૂવારે સાંજના સમયે સિહોર પોલીસના સ્ટાફે તેના ઘર પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહિ. એક્ટની કલમ ૬૬ (૧) (બી) મુજબ ગુનો દાખલ કરી લોકઅપમાં પુરી દીધો હતો. દરમિયાનમાં આજે શુક્રવારે સવારે ૯-૧૫ કલાકે યુવક વિપુલભાઈ ચૌહાણને લોકઅપમાંથી બહાર કાઢી મેડીકલ તપાસી કરાવી ફોટો અને ફિંગર પ્રિન્ટ લેવા માટે પોલીસ મથકના ઉપરના માળે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સવારે ૧૦-૨૦ કલાકના અરસામાં વિપુલભાઈ ચૌહાણે ઈન્વે. રૂમની સ્લાઈડર બારીમાંથી કૂદી પડતું મુકી દેતા તેને કપાળના ભાગે ગંભીર ઈજા થતાં સિહોર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ તેનું મૃત્યુ થયું હતું.

દારૂના કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા યુવાનનું મૃત્યુ થતાં પાલિતાણા ડિવાયએસપી, ભાવનગર એલસીબી, એલઆઈબી સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃતદેહને પેનલ પોસ્ટ માર્ટમ માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મૃતક યુવાન સામે પોલીસે આઈપીસી 224 મુજબ ગુનો દાખલ કર્યો

સિહોર પોલીસના એએસઆઈ જનકસિંહ વેસુભા ઝાલાએ મૃતક યુવક વિપુલભાઈ ચૌહાણ આઈપીસી ૨૨૪ મુજબ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તપાસના કામે યુવકના ફોટા અને ફિંગર પ્રિન્ટ લેવા માટે તેને લોકઅપમાંથી બહાર કાઢી ઉપરના માળે લઈ જવાયો હતો. જ્યાં ફોટો અને ફિંગર લેવા વાળા મહિલા પો.કો. આરતીબા ગોહિલ હાજર ન હોવાથી યુવકને તેમણે તેમના ટેબલ પાસે બેસાડયો હતો. ત્યારે સવારે ૧૦-૨૦ કલાકે વિપુલભાઈ ચૌહાણ નાસી જવાના ઈરાદે સ્લાઈડર બારી ખુલ્લી હોય ત્યાંથી કૂદી ગયા હતા. જેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક ઉંધા માથે નીચે પટકાતા તેને કપાળના ભાગે લોહી નીકળતું હોય રિક્ષામાં બેસાડી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો. અહીં ફરજપરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આમ, મૃતક વિપુલભાઈ સામે પ્રોહિ. એક્ટ મુજબ તોહમત મુકેલ હોય અને પોલીસ કસ્ટડીમાં હતા. ત્યારે ઈન્વે.રૂમની બારીમાંથી કૂદી જતાં નીચે પટકાતા મૃત્યુ પામેલ હોય તેની સામે આઈપીસી ૨૨૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પત્નીએ પતિ સામે પોલીસમાં અરજી કરી હતી

મૃતક વિપુલભાઈ ચૌહાણ દારૂની લત ધરાવતા હોય, દારૂ પીને પત્ની કાજલબેન સાથે મારઝૂડ કરતો હતો. દરમિયાનમાં ગત તા.૧૧-૨ના રોજ સાંજના સમયે પતિએ દારૂ પી આવી ગાળો બોલી મારી નાંખવા ધમકી આપતા તેણી પિયરમાં ચાલ્યા ગયા હતા અને બીજા દિવસે મહિલા મંડળમાં જતાં પતિને બોલાવી બે સંતાનને પરત કરાવ્યા હતા. કાજલબેનના સગાબેનના તા.૨૫-૨ના રોજ લગ્ન હોવાથી તેણી બાળકો સાથે પિયરમાં રોકાતા ગઈકાલે ગુરૂવારે મૃતક યુવકે તેના સાસરીએ જઈ બન્ને બાળકોને ઢસડીને લઈ જતાં પરિણીતાએ તેના પતિ સામે સિહોર પીઆઈને લેખિતમાં અરજી પણ કરી હતી.


Google NewsGoogle News