ગઢડાના આશાસ્પદ યુવાનને હાર્ટએટેક આવી જતા મોત
ઉગામેડી ગામે પહોંચ્યા ત્યારે હૃદય રોગનો હુમલો આવ્યો
મૃતક માતા પિતા, પત્ની તથા ૧૬ વર્ષનો દીકરો અને ૮ વર્ષની દીકરીને વિલાપ કરતા છોડી ગયા
ગઠડા: ગઢડા શહેરમાં રહેતા અને સહકારી બેંકમાં ફરજ બજાવતા ચાલીસ વર્ષના આશાસ્પદ યુવકનુ હાર્ટ એટેકથી મૃત્યુ થતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
રાજ્યમાં દિનપ્રતિદિન યુવાન વયના લોકોના હાર્ટએટેકથી થતા મૃત્યુના કિસ્સાનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં વઘુ એક હાર્ટએટેક થી મૃત્યુ થયું હોવાનો બનાવ બોટાદ જિલ્લાના ગઢડામાં બનવા પામ્યો હતો.જેમાં ગઢડા ખાતે વધુ એક યુવાનને હાર્ટએટેક આવવા થી મૃત્યુ નિપજતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ગઢડા શહેરમાં રહેતા અને સાલસ સ્વભાવથી મિત્ર વર્તુળમાં ચાહના ધરાવતા પિતાના એક દિકરા અને એક જ બહેનના લાડકા ભાઈ અમિતભાઈ જયંતભાઈ ચલાળીયા ( ઉ.વ ૪૦ ) ઉગામેડી ખાતે ભા.ડી.કો. બેન્કમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાના નિયત રૂટીન મુજબ ગઢડાથી સાત કી.મી. દૂર ઉગામેડી જવા માટે સવારે નીકળ્યા હતા. આ દરમિયાન ઉગામેડી ગામે પહોંચતા જ છાતીમાં ભયંકર દુખાવો શરૂ થતા ગાડી ઉભી રાખી ઓફિસ પ્યુનને ફોન કરી પોતાને તબિયતમાં કાંઈક તકલીફ હોવાની જાણ કરી મદદ માટે બોલાવેલ. પરંતુ વિધિની વક્રતા જાણે એનુ કામ કરી ગઈ હોય તેમ સારવાર માટેનો પણ સમય નહી મળતા સ્થળ ઉપરજ પ્રાણ પંખેરું ઉડી ગયુ હતુ. અમિતભાઈ ચાલીસ વર્ષની વયમાં માતા પિતા, પત્ની તથા ૧૬ વર્ષનો દીકરો અને ૮ વર્ષની દીકરીને વિલાપ કરતા છોડી ગયા હતા.