વેજા ગામે મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલા તરૃણનું ડૂબી જતાં મોત

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
વેજા ગામે મિત્રો સાથે નદીમાં ન્હાવા પડેલા તરૃણનું ડૂબી જતાં મોત 1 - image


ગોંડલ પંથકમાં પાણીએ લીધો બેનો ભોગ

સુલતાનપુર ગામે કપડાં ધોતી વખતે પગ લપસી જતાં નદીમાં તણાતા તરૃણીનું મોત

ગોંડલ, સુલતાનપુર :  ગોંડલનાં વેજા ગામ રહેતા તરૃણ મિત્રો સાથે નદીઓ ન્હાવા ગયા બાદ ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. બનાવ ને પગલે તરૃણનાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.  જ્યારે સુલતાનપુર ગામે નદીમાં લપસી જતા તરૃણીનું ડૂબી જતા મોત થયું હતું.

વેજાગામ રહેતા સાહીલ દિનેશભાઇ પરમાર (ઉ.વ. ૧૪) તેના બે મિત્રો સાથે વેજાગામ ગરનાળા રસ્તે આવેલી છાપરવાડી નદીમાં ન્હાવા ગયો હતો. ત્રણેય મિત્રો ન્હાવાની મજા લઇ રહ્યા હતા. તે દરમ્યાન નદીનાં વહેણમાં તણાઇ જતા સાહીલનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. સાહીલનાં મૃતદેહને નદીમાંથી બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સાહીલ બે ભાઇઓમાં મોટો હતો. તેના પિતા પરચુરણ વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોંડલના સુલતાનપુર ખાતે સામાકાંઠા વિસ્તારમાં રહેતા નિશાબેન મુકેશભાઇ રાઠોડ (ઉ.વ. ૧૩) તેમની બહેન મનીષા તથા તેમના ફઇ સાથે સુલતાનપુરી નદીમાં તેમના ઘર સામે કપડા ધોવા ગયેલ હતા. અને કપડાં ધોતા ધોતા અચાનક પાણીમાં પગ લપસી જતા નદીમાં ડૂબી ગયેલ અને તેની લાશ પચાસેક મીટર દૂર બેઠી ધાબીના પાણી નિકાલના ભૂંગળામાં સલવાઇ જતા તેને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએ માટે ખસેડાઇ હતી. આગળની તપાસ સુલતાનપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. હિતેશભાઇ ગરેજા ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News