કૂવો ગાળતી વખતે લોખંડનો થાંભલો વીજ લાઇનને અડી જતાં યુવાનનું મોત

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
કૂવો ગાળતી વખતે લોખંડનો થાંભલો વીજ લાઇનને અડી જતાં યુવાનનું મોત 1 - image


લાલપુરનાં વાવડી અને કાલાવાડનાં નાના વડાળા ગામે કૂવાએ નોતરી દુર્ઘટના

નાના વડાળા ગામે વાડીમાં કૂવો ગાળતી વખતે માથે ભેખડ ધસી પડતાં યુવાને જીવ ગુમાવ્યો

જામનગર: લાલપુર અને કાલાવડ પંથકમાં કૂવો ગાળતી વખતે સર્જાયેલી દુર્ઘટના બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. લાલપુરના વાવડી ગામમાં કૂવો ગાળતી વખતે લોખંડનો પાઇપ ઉપરના વીજ તારને અડી જતાં વિજ આંચકા થી શ્રમિક યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં કૂવો ગાળી રહેલા શ્રમિક યુવાન પર ભેખડ ધસી પડતાં ગંભીર ઈજા થતાં મોત થયું હતું.

લાલપુર પંથકમાં પ્રથમ બનાવ વાવડી ગામના ખેડૂત અશ્વિનભાઈ ચનાભાઈ ડાંગરિયા ની વાડીમાં બન્યો હતો. જયાં કૂવો ગાળવાનું કામ કરી રહેલા વાવડી ગામના ધરણાભાઈ હમીરભાઈ વાવરોટીયા (૪૦ વર્ષ) કે જેને લોખંડનો પોલ ઉભો કરતી વખતે ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનને અડીજતા વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે દાનાભાઈ હમીરભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં બન્યો હતો. ત્યાં જયેશભાઈ પટેલ નામના ખેડૂતની વાડીમાં કૂવો ગાળી રહેલા રાજકોટ જિલ્લાના કલાણા ગામના મુકેશ દેવજીભાઈ ચૌહાણ (૩૦ વર્ષ) કે જેના પર  ભેખડ ધસી પડી હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં  ફરજ પરના તબીબે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.  આ બનાવ અંગે રમેશભાઈ અનુપભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News