ધોલેરા નજીક પંકચર કરી રહેલા ડમ્ફર સાથે ડમ્ફર અથડાતા યુવાનનું મોત
મૃતકના ભાઈએ ડમ્ફર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
કુંભારવાડાનો યુવાન ડમ્ફરમાં નાગનેશથી ધોલેરા તરફ જતો હતો ત્યારે અલીયાસર મંદિર નજીક પંકચર પડયું હતું ઃ ટાયર બદલતી વેળાએ બે વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો
બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંભારવાડા ખાતે રહેતા વિશાલભાઈ નટુભાઈ ભોજવિયા ગત તા.૨૯ ના રોજ આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે તેના શેઠ કિશોરસિંહ ઝાલાનું ડમ્ફર નંબર જીજે-૩૩-ટી-૮૮૮૩ ના ડ્રાઈવર સાબભા પરમારની સાથે નાગનેશથી ધોલેરા ટાટા કંપનીમાં જવા માટે નિકળ્યા હતા. તેવામાં ધંધુકા ધોલેરા રોડ ઉપર અલીયાસર મહાદેવ મંદિર પસાર કરી ડમ્ફર આશરે બે કિમી દૂર ભડીયાદ તરફ પહોંચ્યું હતું. ત્યારે તેમાં પંકચર પડી જતાં તેને ડ્રાઈવરે રોડની સાઈડમાં ઉભું રાખ્યું હતું. તેવામાં ધોલેરા તરફથી તેમના શેઠનું બીજું ડમ્પર જીજે ૩૮ - ટીએ-૮૨૮૮ ના ચાલક બાબભા પરમાર આવ્યા હતા.અને પોતાના ડમ્પરમાથી એક્સ્ટ્રા ટાયર આપ્યું હતું. અને પંકચર પડેલાં ડમ્ફરમાં ટાયર બદલવાની કામગીરી કરતા હતા. તેવામાં ધંધુકા તરફથી આવી રહેલાં ડમ્ફર નંબર જીજે ૩૮ ટીએ ૧૭૧૨ નાં ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પંકચર પડેલાં ડમ્ફરનું ટાયર બદલી રહેલાં વિશાલભાઈના ડમ્ફર સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અક્સ્માતમાં વિશાલભાઇને માથા તથા સાથળના ભાગે ગંભીર ઇજા થતાં સારવારાર્થે ખાનગી વાહનમાં ધંધુકાની આર.એમ.એસ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ હર્ષદભાઈ નટુભાઈ ભોજવિયાએ ડમ્ફરના ચાલક વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.