જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતું મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
જામનગરમાં રહેણાંક મકાનમાં ચાલતું મહિલા સંચાલિત જુગારધામ પકડાયું 1 - image


રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં પોલીસનો દરોડો

રૂા.૬૮ હજારની રોકડ સાથે સાત મહિલાઓની ધરપકડ કરીને કાર્યવાહી, મોટી ખાવડીમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

જામનગર: જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક મહિલા સંચાલિત જુગારધામ પકડાયું છે. એલસીબીની ટુકડીએ દરોડો પાડી જુગાર રમાડી રહેતી મહિલા સહિત કુલ સાત મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટી પ્લોટ નંબર ૧૩/૬ શેરી નંબર-૨માં રહેતા જશવંતીબેન પરસોત્તમભાઈ રાબડીયા નામની  મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહયું છે, અને શહેરની આસપાસની સોસાયટીમાંથી કેટલીક મહિલાઓએ એકત્ર થઈને જુગાર રમવા માટે આવી રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે મોડી સાંજે રહેણાક મકાન પર એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

 જે દરોડા દરમિયાન મકાન માલિક મહીલા સહિતની કુલ સાત મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહેલી નજરે પડી હતી. જેથી એલસીબીની ટીમે મકાન માલિક જસવંતીબેન પરષોત્તમભાઈ રાબડીયા ઉપરાંત પ્રભાબેન ઉર્ફે હંસાબેન મંગાભાઈ ચાવડા, જયશ્રીબેન પ્રવીણભાઈ પાણખાણીયા, શીતલબેન રમેશભાઈ જાડેજા, ચેતનાબેન વિજયભાઈ ગજ્જર, મંજુબેન હસમુખભાઈ ટાંક તેમજ શાંતિબેન રાજુભાઈ વિસાવડીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬૮,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો મોટી ખાવડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ધીરુભાઈ મનજીભાઈ સોલંકી તેમજ જસરાજભાઈ ગેલાભાઈ માતંગની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા થોડા ૧૬,૪૭૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


Google NewsGoogle News