Get The App

બરવાળા-ભાવનગર હાઈવે પરથી અર્ધા કરોડથી વધુનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
બરવાળા-ભાવનગર હાઈવે પરથી અર્ધા કરોડથી વધુનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો 1 - image


- જાલોરના બુટલેગરે ઘઉંના કટ્ટાની આડમાં વિદેશી દારૂની 13,248 બોટલ ગુજરાતમાં ઘૂસાડી

- ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરની અટકાયત : દારૂ ભરેલો ટ્રક ધંધુકાથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, દારૂનો મસમોટો જથ્થો મંગાવનાર અજાણ્યા બુટલેગરની શોધખોળ શરૂ

બરવાળા : રાજસ્થાનથી ઘઉંની બોરીઓની આડમાં અડધો કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડી ભાવનગર તરફ લવાઈ રહ્યો હતો. ત્યારે બોટાદ ક્રાઈમ બ્રાંચની ટીમે બરવાળા-ભાવનગર હાઈવે પરથી અંગ્રેજી દારૂની ૧૩,૨૪૮ બોટલ, ટ્રક સહિત કુલ રૂા.૬૭.૨૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા.

ઘટના અંગે મળતી વિગત અનુસાર રાજસ્થાન પાસીંગના ટ્રક નં.આરજે.૦૪. જીબી.૮૭૪૮માં ઘઉંના કટ્ટા (બોરીઓ)ની આડમાં અંગ્રેજી દારૂનો મસમોટો જથ્થો ધંધુકાથી ભાવનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મધરાત્રિના સમયે બરવાળા-ભાવનગર રોડ પર રાજભવન હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમીવાળો ટ્રક નં.આરજે.૦૪.જીબી.૮૭૪૯ પસાર થતાં તેને રોકી તલાશી લેતા ટ્રકના પાછળના ભાગેથી ઘઉંની ૧૫૦ બારીની આડમાં છુપાવેલી વિદેશી દારૂની ૧૧૦૪ પેટી (૧૩,૨૪૮ બોટલ) (કિ.રૂા. ૫૦,૬૦,૯૭૬) મળી આવતા પોલીસે ટ્રકના ડ્રાઈવર શ્રવણ બાબુલાલ બિશ્નોઈ (ઢાંકા) (ઉ.વ.૨૪, રહે, ખારા ગામ, તા.જિ.સાંચોર, રાજસ્થાન) અને ક્લિનર સુનિલ બાબુલાલ બિશ્નોઈ (ઢાંકા) (ઉ.વ.૨૨, રહે, પુનાસા ગામ, તા. ભીનમલ, જિ.જાલોર, રાજસ્થાન) નામના બે શખ્સને દારૂનો મસમોટો જથ્થો, ટ્રક, બે મોબાઈલ ફોન, ૧૫૦ નંગ ઘઉંના કટ્ટા, આરટીઓની ફાઈલ તથા બિલ્ટી, આધારકાર્ડ, તાડપત્રી મળી કુલ રૂા.૬૭,૨૧, ૯૬૩ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા શ્રવણ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, જયપુર બાયપાસ ખાતેથી ગોપાલ જાટ (રહે, જાલોર, રાજસ્થાન)એ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપી ગુજરાત લઈ જવાની વાત કરી હતી. ગુજરાતમાં પહોંચ્યા બાદ બુટલેગર ગોપાલ જાટ કહે તેમ ગાડી ચલાવવા કહેવામાં આવ્યું હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે બોટાદ એલસીબીએ શ્રવણ બિશ્નોઈ, સુનિલ બિશ્નોઈ, ગોપાલ જાટ અને દારૂનો મસમોટો જથ્થો મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે આઈપીસી ૬૫-એ, ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી દારૂનો મસમોટો જથ્થો મોકનાર અને મંગાવનાર બુટલેગરોની શોધખોળ હાથ ધરી હતી.


Google NewsGoogle News