Get The App

ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી થશે

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
ગોહિલવાડમાં આજે શ્રધ્ધાભેર તુલસી વિવાહની પરંપરાગત ઉજવણી થશે 1 - image


- લગ્નવિધિમાં શ્રધ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉમટી પડશે

- ઠેર-ઠેર મહાપૂજન, ગોરણીપૂજા,ઠાકોરજીનો વરઘોડો, સમુહ મહાપ્રસાદ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન

ભાવનગર : રોશનીના મહાપર્વ દિપોત્સવીની ઉજવણી બાદ ગોહિલવાડમાં કારતક સુદ અગિયારસના દેવદિવાળીના પર્વે આવતીકાલ તા.૨૩ નવેમ્બરને ગુરૂવારે પરંપરાગત રીતે આતશબાજીની જમાવટ સાથે તુલસીવિવાહની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. આ પ્રસંગે તુલસીમાતાના વિવાહ શાલિગ્રામ વિષ્ણુ ભગવાન સાથે ધામધૂમથી ઉજવાશે.આ નિમીત્તે રૂડા મંડપ રોપાશે. વાજતે ગાજતે જાડેરી જાન સ્થાનિક મુખ્ય માર્ગો પર ફરશે. આ ઉપરાંત મહાપુજન, ગોરણીપુજન સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૨૩ નવેમ્બરને ગુરૂવારે રૂડા તુલસીવિવાહના આયોજન કરાયા છે. જેમાં શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા આયોજિત તુલસીવિવાહ અંતગર્ત આવતીકાલ તા.૨૩ ને ગુરૂવારે બપોરે ૩-૩૦ કલાકે બહેનો માટે પૂજાવિધિ રાખેલ છે.સાંજે ૪ કલાકે માનસનાથ મહાદેવ મંદિર (માનસ દર્શન-૩, એરપોર્ટ રોડ)થી લાલજી મહારાજનો વરઘોડો નિકળશે. જે સાંજે ૭-૩૦ કલાકે ડાયમંડ ચોક ખાતે પધારશે. જયાં હસ્તમેળાપ થશે. લગ્નવિધિ દરમિયાન લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર અને તેમની ટીમ લગ્નગીતો અને ફટાણા રજુ કરશે આ સાથે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા માતાજીઓની ઝાંખીના દર્શન થશે. લગ્નવિધિ બાદ હાસ્ય દરબાર રાખેલ છે. જયારે રિધ્ધિ સિધ્ધિ મિત્રમંડળના ઉપક્રમે કાળીયાબીડમાં તુલસી ચોકમાં તુલસી વૃંદાના વિવાહ ઉજવાશે.આ પ્રસંગે આવતીકાલે ગુરૂવારે સવારે ૮-૩૦ કલાકે મંડપ મુર્હૂત થશે,બપોરે ૩ કલાકે પૂજનવિધિ થશે, સાંજે ૭-૩૦ કલાકે જાનનું આગમન થશે, સાંજે ૮-૩૦ કલાકે હસ્તમેળાપ થશે. લગ્નવિધિ વેળા શુભમ કલાવૃંદ દ્વારા લગ્નગીત રજુ કરાશે. શહેરના વિજયરાજનગરમાં શેરી નં.૩, પ્લોટ નં.૬૭૧/બી, ઓમકારેશ્વર મહાદેવના શિવાલયમાં આજે તુલસી વિવાહ ઉજવાશે. સવારે ૧૦-૩૦ કલાકે મંડપ મુર્હૂત,બપોર બાદ જાન પરણેતર થશે.સંસ્કાર મંડળ નજીક આવેલા ખાંડિયા કુવા ખોડિયાર માતાજીના મંદિરે આવતીકાલે ગુરૂવારે સાંજે ૭-૧૫ કલાકે જાનનું આગમન થશે, રાત્રે ૮-૧૫ કલાકે હસ્તમેળાપ થશે, બાદ પ્રસાદ વિતરણ થશે. શહેરના લોખંડબજારના સ્વામિનારાયણ મંદિરમાં આજે ઠાકોરજીના લગ્ન ઉત્સવ ઉજવાશે. બારસો મહાદેવની વાડીએથી વાજતે ગાજતે ગામમાં ફરીને ઠાકોરજીનો વરઘોડો સાંજે ૭ કલાકે નીજ મંદિરે અકાવશે. માલણકામાં ગામસમસ્ત દ્વારા આજે તુલસી વિવાહ ઉજવાશે.તળાજાના સથરામાં આજે તુલસી વિવાહોત્સવ ઉજવાશે.તળાજાના દેવળીયામાં આવેલા ગુરૂ દત્તાત્રેય આશ્રમમાં આજે તુલસી વિવાહ ઉજવાશે. ઠાકર મહારાજની જાન પાલિતાણાથી આવશે.વલ્લભીપુર તાલુકાના પાટણા ભાલ ગામે સરદાર ચોકમાં આજે રાત્રે ૮ કલાકે રામજી મંદિરના મહંત રાધામુકુન શરણદાસજી બાપુ સેવક સમુદાય દ્વારા ઠાકોરજીની જાન જોડી પધારશે. આ સાથે પ્રસાદ વિતરણનું પણ આયોજન કરાયેલ છે.

ઠાકોરજીને શેરડીનો સાંઠો ધરવાનું વિશેષ મહાત્મ્ય

તુલસી વિવાહના અવસરે ઠાકોરજીને શેરડીના સાંઠા ધરવામાં આવશે, આ સાંઠાથી લગ્નનો માંડવો ઉભો કરવામાં આવશે. ભગવાનને લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવતો હોય છે. શેરડીમાં ગળપણ આવતુ હોવાથી તુલસીવિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં ખુબ મીઠાશ આવતી હોય છે તેવી લોકોમાં માન્યતા છે. 


Google NewsGoogle News