Get The App

સેન્ટ્રલ જી.એસ.ટી.ના અધિકારીના મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ જી.એસ.ટી.ના અધિકારીના મકાનમાંથી ચોરી કરનાર ઝડપાયો 1 - image


એરપોર્ટ રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા

એલસીબી ઝોન-૨ના સ્ટાફે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા જોયા બાદ બંને તસ્કરોની ઓળખ મળી હતી

રાજકોટ :  એરપોર્ટ મેઇન રોડ પરની ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતા સેન્ટ્રલ જીએસટીના આસીસ્ટન્ટ કમિશનર શિવદાસ મેનનના બંધ મકાનમાંથી રૃા. ૨.૪૮ લાખની ચોરી થઇ હતી. જેનો ભેદ એલસીબી ઝોન-૨ના સ્ટાફે ઉકેલી લઇ એક તસ્કરને ઝડપી લીધો છે. જ્યારે બીજા તસ્કરની શોધખોળ શરૃ કરી છે.

ફરિયાદી શિવદાસભાઈ પરિવાર સાથે  દ્વારકા અને સોમનાથ દર્શન કરવા ગયા બાદ પાછળથી તેના બંધ મકાનમાંથી ચોરી થઇ હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જો કે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસનું કામ મુશ્કેલ બન્યું હતું.

એલસીબી ઝોન-૨ના પીએસઆઈ આર.એચ. ઝાલાએ સ્ટાફના માણસો સાથે  લગભગ ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાંથી એક કેમેરામાં બંને તસ્કરો કેદ થઇ ગયા હતા. એટલું જ નહીં બંને પગપાળા ચોરી કરીને એસટી બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યાની માહિતી મળી હતી. જેના આધારે તપાસ આગળ ધપાવી ચોરીમાં સંડોવાયેલા કૈલાશ મધાભાઈ ચાંગાવડિયા (ઉ.વ.૩૦, રહે. ગાંધીધામ)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં રાધનપુરના સાંતલપુર તાલુકાના વારાહી ગામના કિશોર માવજી વારૈયાની સંડોવણી ખૂલતા તેની હવે શોધખોળ જારી રાખી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બંને તસ્કરો મૂળ રાધનપુરના છે. બસમાં ચોરી કરવા આવ્યા હતા. રાજકોટના વિસ્તારોથી પરિચિત હતા. બંને તસ્કરો દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરી મોડીરાત્રે તેમાં ત્રાટકતા હતા. લોખંડના સળિયાથી મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર કબાટમાંથી હાથ સાફ કરી લેવાની ટેવ ધરાવે છે. જે મુજબ ઇન્કમટેક્સ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

ઝડપાયેલા તસ્કર કૈલાસ પાસેથી સોનાની બે બંગડી, સોનાના બે ચેન, બે કાંડા ઘડિયાળ, રોકડા રૃા. ૪૦ હજાર અને એક મોબાઇલ સહિત કુલ રૃા. ૩.૮૬ લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન-૨ના સ્ટાફે કબ્જે કર્યો છે. હાલ વોન્ટેડ તસ્કર કિશોર વિરૃધ્ધ ગાંધીધામ, આદિપુર અને પાટણમાં ચોરી, મારામારીના પાંચેક ગુના નોંધાયાની માહિતી પણ પોલીસને મળી છે. 


Google NewsGoogle News