બેડી નજીક મારવાડી કોલેજના છાત્રએ પાંચ વાહનોના કાચ ફોડી નાખ્યા
- પોતાની જ કોલેજની બે બસ વચ્ચે અકસ્માત થતા ઉશ્કેરાયો
- ટ્રાફિક જામ સર્જાયો ઃ પોલીસ કહે છે છાત્ર ડીપ્રેશનનો શિકાર છે, હાલ દવા પણ ચાલુ છે
રાજકોટ: મોરબી રોડ પર બેડી માર્કેટ યાર્ડ પાસે આજે બપોરે મારવાડી કોલેજની બે બસ અથડાતા કોલેજના એક છાત્રએ આવેશમાં આવી પાંચ વાહનોમાં તોડફોડ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. કુવાડવા રોડ પોલીસે સ્થળ પરથી તોડફોડ કરનાર છાત્રની અટકાયત કરી હતી.
પોલીસે જણાવ્યું કે મારવાડી કોલેજનો બીએસસીમાં અભ્યાસ કરતો અભીરાજસિંહ ગોહિલ કોલેજની બસમાં જતો હતો ત્યારે કોલેજની બસ આગળ જતી પોતાની જ કોલેજની બસ સાથે અથડાતા કાચ વાગ્યા હતા. જેના કારણે અભીરાજસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. તે બસમાંથી ઉતરી કોઈ વાહનનું વાઈપર તોડી તેના વડે તુટી પડયો હતો.
તેણે વાઈપર વડે એક ઈનોવા, સ્કોડા, એસટી બસ અને પોતાની જ કોલેજની બે બસના આગળ-પાછળ અને સાઈડના કાચનો ભુક્કો બોલાવી દીધો હતો. જેને કારણે આસપાસ ઉભેલા વાહનચાલકો રીતસર ડગાઈ ગયા હતા. એટલુ જ નહી સતત ધમધમતા આ રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જાણ થતા કુવાડવા રોડ પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પીસીઆર વાનના સ્ટાફ સાથે પણ અભીરાજસિંહ બાખડી પડયો હતો. તેને કુવાડવા રોડ પોલીસ મથકે લઈ જવાયો હતો. જો કે મોડી સાંજ સુધી તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા કોઈ તૈયાર થયું ન હતું. આ બાબતે ચર્ચા વિચારણ ચાલી હતી.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે અભીરાજસિંહ ડીપ્રેસનનો શિકાર છે. જેની દવા પણ હાલ ચાલુ છે.