Get The App

સિહોરની પ્રજા ઉપર 400 ટકાનો કરબોજ નાંખવાનો તકલાદી નિર્ણય

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
સિહોરની પ્રજા ઉપર 400 ટકાનો કરબોજ નાંખવાનો તકલાદી નિર્ણય 1 - image


-  નપાણિયા ન.પા. તંત્રને સુવિધા દેવાના બદલે તિજોરી ભરવામાં જ રસ..!

- લાખો રૂપિયાનો બાકી વેરા વસૂલવામાં હાથ થથરે છે અને સમયસર વેરો ભરનારા કરદાતાને વેરો વધારાનો ડામ દેવો કયાં સુધી વ્યાજબી ?

સિહોર : નપાણિયા નગરપાલિકા તંત્રને સુવિધા દેવાના બદલે પોતાની તિજોરી જ ભરવામાં રસ હોય તેમ સિહોરની પ્રજા ઉપર ૪૦૦ ટકા જેટલો અસહ્ય કરબોજ નાંખવાનો તકલાદી નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ સિહોરની જનતામાં ભારે આક્રોશ ફેલાયો છે, તો ભાજપે ઉગ્ર વિરોધ નોંધાવી ટેક્સ વધારો મોકૂફ નહીં રાખવામાં આવે તો લોકોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાનો નિર્ધાર કર્યો છે.

સિહોર નગરપાલિકાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર આજે બુધવારે ૩૦૦થી ૪૦૦ ટટકા જેટલા ટેક્સ વધારાની નોટિસ ચીપકાવેલી જોવા મળી હતી. બે વર્ષ નગરપાલિકાની બોડીની મુદ્દત પૂરી થઈ ગઈ હોય અને હાલ ચીફ ઓફિસરથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેના કારણે રેઢિયાળ વહીવટના કારણે સિહોરની જનતાને પ્રાથમિક સુવિધા પણ પૂરતી મળતી નથી. આવા સમયે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રજાને દાઝ્યા ઉપર ડામ દેવાની નીતિ અખત્યાર કરી ટેક્સમાં ૩૦૦થી ૪૦૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે સિહોર શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, પૂર્વ કોર્પોરેટર સહિતનાઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી ટેક્સમાં અસહ્ય વધારાનો વિરોધ દર્શાવી વેરો વધારાના નિર્ણયને મોકૂફ રાખવાની માંગ કરી હતી. આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેમ છતાં જો વેરો વધારો લાગુ કરાશે તો નગરજનોને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલાત્મક પગલા ભરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનિય છે કે, કડકી નગરપાલિકાને વેરાનો બોજ ઝીંકી આવક વધારવાના અભરખા ચડયા છે. પરંતુ શહેરમાં ૩૦ જેટલા મોબાઈલ ટાવરનો લાખો રૂપિયાનો વેરો વસૂલવાનો બાકી છે. તાલુકા પંચાયત, પથિકાશ્રમ, સરકીટ હાઉસ સહિતની સરકારી મિલકત તેમજ ખાનગી રહેણાંક અને વાણિજ્ય મિકલતો પાસે લાખો રૂપિયા વસૂલવાના બાકી છે. વોર્ડ નં.૨, ગુંદાળા, ટોડા, ટોડી ભડલી, રામનગર, રાજીવનગર, લીલાપીર સહિતના વિસ્તારમાં ભૂતિયા નળ-ગટર કનેક્શનો લેવામાં આવ્યા છે. જેના કારણે પણ ન.પા.ની આવકને અસર પડી રહી છે. ત્યારે બાકીના લાખો રૂપિયાની રકમ ઉઘરાવવાના બદલે નિયમિત વેરો ભરતા કરદાતાને વેરો વધારાનો ડામ દેવો કયાં સુધી વ્યાજબી ? તે પણ સિહોરની પ્રજામાં સવાલ ઉઠયો છે. જવાબદાર ચીફ ઓફિસરે મોંઘવારી અને મંદીના સમયમાં પ્રજાના હિત માટે આવા અસહ્ય ટેક્સ વધારોનો નિર્ણય પાછો લેવો જોઈએ તેવી લોકોમાં પ્રબળ માંગણી ઉઠી છે.


Google NewsGoogle News