સુભાષનગરમાં રિક્ષાચાલક અને ૩ મહિલાને બે શખ્સે માર માર્યો
અગાઉ પુત્ર સાથે થયેલી બોલાચાલીની દાઝ રાખી હુમલો કર્યો
લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી બન્ને શખ્સ ફરાર
ભાવનગર: શહેરના સુભાષનગર, શહેર ફરતી સડક વિસ્તારમાં અગાઉ છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડોની અદાવત રાખી બે શખ્સે રિક્ષાચાલક અને તેના પરિવારના ત્રણ મહિલાને ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.
બનાવ સંદર્ભે મળતી વિગત મુજબ શહેરના સુભાષનગર, રજપૂત વાડા, પચાસ વારિયા, પ્લોટ નં.૪૨/એમાં રહેતા અને રિક્ષા ચલાવતા કમલેશભાઈ જેન્તીભાઈ રાઠોડ (ઉ.વ.૪૨)ના દિકરા રાજદીપભાઈને તે જ વિસ્તારમાં રહેતો શક્તિના ભત્રીજા સાથે ઘર પાસે રમવા બાબતે ગત તા.૬-૭ના રોજ ઝઘડો થયો હતો. જે વાતને લઈ શક્તિ સાથે થયેલી બોલાચાલીની દાઝ રાખી ગઈકાલે બુધવારે સાંજના કમલેશભાઈ તેમની રિક્ષા લઈને સુભાષનગર, શહેર ફરતી સડલ પર આવેલ રાધેશ્યામ એપાર્ટમેન્ટની નીચે સાઈડમાં રિક્ષા પાર્ક કરીને બેઠા હતા. ત્યારે શક્તિ પરમાર અને તેનો મિત્ર અજય ઉર્ફે ડંકો નામના શખ્સો એક્ટીવા લઈને આવ્યા હતા અને ગાળો દઈ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મારામારી સમયે તેમના પત્ની હીનાબેન તેમજ ભાઈના પત્ની પૂજાબેન દોડી આવતા દેરાણી-જેઠાણીને પણ બન્ને શખ્સ લાડકાના ધોકા વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત કમલેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બન્ને શખ્સે તેમના ઘરે જઈ તેઓના બહેન આશાબેનને ધોકા વડે માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી બન્ને શખ્સે રિક્ષાને પણ નુકશાન કર્યું હતું.
ઘટના અંગે ઈજાગ્રસ્ત રિક્ષાચાલક યુવકે શક્તિ પરમાર અને તેના મિત્ર અજય ઉર્ફે ડંકો સામે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૧૧૭ (ર), ૧૧૮ (૧), ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (ર), ૩૫૧ (૩), ૩૨૪, ૫૪ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.