સાંકડાસરના પાટીયા પાસે કારે અડફેટે લેતા રિક્ષા ચાલકનું મોત
- ભાવનગર-મહુવા હાઈવે પર અકસ્માત સર્જાયો
- મહુવાથી તળાજા જતા લોડિંગ રિક્ષાને કારે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો
ભાવનગર : ભાવનગર મહુવા હાઈ-વે પર સાંકડાસર નં.-૧ ગામના પાટિયા પાસે ગઈકાલે બપોરના ૪ વાગ્યાના અરસામાં લોડિંગ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈએ કાર ચાલક વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે બપોરના ૪ કલાકના અરસામાં અબ્દુલભાઈ રજાકભાઈ મહુવાથી તળાજા પોતાની લોડિંગ રિક્ષા લઈ જઈ રહ્યાં હતા ત્યારે ભાવનગર મહુવા હાઈ-વે પર સાંકડાસર નં.-૧ ગામના પાટિયા પાસે બપોરે ૪ કલાકના અરસામાં પહોંચતા જીજે-૦૫-જેએસ-૫૫૨૯ નંબરની કારના ચાલકે તેની કાર પુરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી લોડિંગ રિક્ષા સાથે પાછળથી ભટકાડી અકસ્માત સર્જતા અબ્દુલભાઈ રજાકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ હુજેફા અબ્દુલ કાદરભાઈ અગવાન (રહે. મહુવા) એ તળાજા પોલીસ મથકમાં જીજે-૦૫-જેએસ-૫૫૨૯ ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.