માઢિયા પાસે 1.86 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલું પીકઅપ ઝડપાયું

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
માઢિયા પાસે 1.86 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલું પીકઅપ ઝડપાયું 1 - image


પોલીસે ફિલ્મીઢબે પીછો કર્યો, વાહન મુકી બે શખ્સ ફરાર

દારૂ છૂપાવવા પીકઅપમાં ત્રણ ફૂટ જેટલું ખાનું બનાવ્યું, દારૂ-બિયરનો જથ્થો ભાવનગર લવાઈ રહ્યો હતો

ભાવનગર: ભાવનગર તાલુકાના માઢિયા ગામ નજીક પોલીસે ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલા પીકઅપ વાહનને ઝડપી પાડયું હતું. જ્યારે બે શખ્સ નાસી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અધેળાઈ તરફથી એક મહેન્દ્રા પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી ભાવનગર તરફ લઈ જવાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલી વેળાવદર ભાલ પોલીસની ટીમે નેશનલ હાઈવે નં.૭૫૧ સ્થિત માઢિયા ગામ નજીક મધરાત્રિના સમયે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં પીકઅપ નં.જીજે.૧૮.એએક્સ.૮૯૫૩ અહીંથી પસાર થતાં પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કરતા ડ્રાઈવરે વાહન પુરપાટ ઝડપે હંકારી મુક્યું હતું. જેથી પોલીસે ખાનગી વાહનોમાં પીકઅપનો પીછો કરતા નવા માઢિયા જીઆઈડીસીની સામે આદર્શ સોલ્ટ પાસે વાહન મુકી બે અજાણ્યા શખ્સ નાસી ગયા હતા. દરમિયાનમાં સ્થળ પર પહોંચેલી પોલીસે પીકઅપ ગાડીની તલાશી લેતા થાપડમાં આશરે ત્રણ ફૂટ જેટલું ખાનું બનાવેલું જોવા મળ્યું હતું. જેમાંથી વિદેશી દારૂની ૨૪૦ બોટલ અને બિયરના ૬૦૦ ટીન મળી કુલ રૂા.૧,૮૬,૦૦૦નો વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવતા પોલીસે પીકઅપ, દારૂ-બિયર મળી કુલ રૂા.૧૧,૮૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી બે અજાણ્યા શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૧૧૬-બી, ૯૮ (ર), ૮૧ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News