સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર શખ્સ ઝડપાયો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર શખ્સ ઝડપાયો 1 - image


હડદડના શખ્સે સાત વર્ષ પહેલા વાડીએ પાડેલો ફોટો ઈન્સ્ટાગ્રામમાં ફોટો વાયરલ કર્યા હતા

પાકરક્ષણ હથિયાર પરવાનો ધરાવતા મૃતક વ્યક્તિ સામે પણ લાઈસન્સ ધારકની શરત ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ

ભાવનગર: બોટાદ તાલુકાના હડદડ ગામના શખ્સને હથિયાર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનું ભારે પડયું હતું. એલસીબીની ટીમે શખ્સને ઝડપી લઈ લોકઅપ હવાલે કર્યો હતો. જ્યારે શખ્સ ઉપરાંત પાકરક્ષણ હથિયાર પરવાનો ધરાવતા મૃતક વ્યક્તિ સામે પણ લાઈસન્સ ધારકની શરત ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના હડદડ ગામનો અને હાલ બોટાદના પાળિયાદ રોડ, જનતા-૦૧, પાણીની ટાંકી પાસે પાસે રહેતો કુલદીપ ધીરૂભાઈ ખાચર નામના શખ્સે થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો વાયરલ કર્યો હતો. જે ફોટો બોટાદ એલસીબી પાસે પહોંચતા ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી કુલદીપ ખાચરને આજે ગુરૂવારે કાનિયાડ-હડદડ ચોકડી પાસેથી ઉઠાવી લઈ એલસીબી કચેરીએ લાવી પૂછતાછ કરતા પોતાની પાસે હથિયાર પરવાનો કે કોઈ લાઈસન્સ ન હોય, તેમ છતાં સમાજમાં ભય ઉભો કરવા અને પોતાના શોખ માટે બારબોરના હથિયાર સાથે સાત વર્ષ પહેલા પોતાની વાડીએ ફોટો પાડી ઈન્સ્ટાગ્રામ પર ફોટો વાયરલ કર્યો હતો. ફોટામાં દેખાતું હથિયાર તેના મોટાબાપુ બહાદુરભાઈ કાળાભાઈ ખાચર (રહે, હડદડ)નું પાકરક્ષણ પરવાનાવાળું હોવાનું તેમજ તેઓ મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું. જેના આધારે બોટાદ પોલીસ મથકના રેકર્ડ પરથી ખરાઈ કરતા પરવાનાદાર બહાદુરભાઈ ખાચરનો બારબોર પાકરક્ષણ હથિયાર પરવાનો જમા કરાવ્યાનું જણાયું હતું. આ બનાવ અંગે એલસીબીએ કુલદીપ ખાંચર તેમજ પોતાના પરવાનાવાળું હથિયાર અન્ય લોકોને આપી લાઈસન્સ ધારકની શરત ભંગ કરવા બદલ મૃતક બહાદુરભાઈ કાળાભાઈ ખાચર સામે પાળિયાદ પોલીસમાં હથિયાર ધારાની કલમ ૨૯, ૩૦ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.


Google NewsGoogle News