શેરબજારમાં એકના ડબલની લાલચ આપી ઠગાઇ કરનારો શખ્સ ઝડપાયો
દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી
રાજસ્થાનના ઉનિયારા તાલુકામાંથી દબોચી લેવાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના
મુજબ સાયબર ફ્રોડ તેમજ શેરબજારની જાહેરાતોમાં ફસાયેલા લોકોની રજૂઆતોને ધ્યાને લઈને
જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગના પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટને આપવામાં આવેલી સૂચના
અંતર્ગત આ અંગે સાયબર સેલની ટીમ દ્વારા મોનીટરિંગ કરી તેમજ ટેકનીકલ સર્વેલન્સના
આધારે વર્કઆઉટ કરી અને રાજસ્થાન રાજ્યના ટોંક જિલ્લાના ઉનિયારા તાલુકામાં રહેતા
અને ટ્રેડિંગનો વ્યવસાય કરતા ધર્મરાજ સ્યોરાજ મીણા નામના ૨૪ વર્ષના શખ્સને ઝડપી
લેવામાં આવ્યો હતો.આ શખ્સ સામે દ્વારકા તાલુકાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં
સુનિયોજિત રીતે ઓનલાઇન છેતરપિંડી આચરવા સબબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં
આવ્યો હતો.
ઝડપાયેલા આ શખ્સની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે
ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યા બાદ રાજસ્થાનના જુંડવા ગામ ખાતે રહી અને ટ્રેડિંગ
ટિપ્સનું કામ કરવા તેના દ્વારા ટેલિગ્રામ પર સન વર્લ્ડ ટ્રેડર્સ નામની ચેનલ બનાવી
અને ફરિયાદીને ટેલિગ્રામ ચેનલની લીંક મોકલી અને પોતે આદિત્ય ટ્રેડિંગ કંપનીનો
એમ્પ્લોય હોવાનું જણાવી, આ
કંપનીનું ફેક આઈ કાર્ડ મોકલી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જણાવી તેના રોકાણ સામે ડબલ
પ્રોફિટ આપવાની વાત કહી, તેના
દ્વારા રૃ. ૮૯,૫૧૦ ની
છેતરપિંડી આચરવામાં આવી હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. આ સમગ્ર કાર્યવાહી
જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.