ભાવનગરમાંથી રૂા.2.58 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ભાવનગરમાંથી રૂા.2.58 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો 1 - image


બાથરૂમના માળિયા ઉપર પ્લાસ્ટિકના ડબ્બામાં છૂપાવેલું ડ્રગ્સ મળ્યું

અમદાવાદના જુહાપુરા અને શાહઆલમ વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત ઃ આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગર: ભાવનગરમાં એમ.ડી. ડ્રગ્સના નશાના વેપલાનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. શહેરના ભરતનગર વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમે એક શખ્સને અઢી લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાની પોલીસની પ્રાથમિક પૂછતાછમાં વિગતો બહાર આવી છે.

બનાવની મળતી વિગત અનુસાર શહેરના ભરતનગર, જૂના બે માળિયા, ખોજા કોલોનીમાં રહેતો હનિફ સુલતાનભાઈ બેલીમ ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હોવાની ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગુ્રપને બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે સરકારી પંચોને સાથે રાખી આજે ખોજા કોલોનીમાં માસા અલ્લાહ લખેલા મકાનમાં છાપો માર્યો હતો. આ સમયે હનિફ સુલતાનભાઇ બેલીમ (ઉ.વ.૪૮) નામનો શખ્સ હાજર મળી આવતા તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા શખ્સે ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હોવાની કબુલાત આપી હતી જેના આધારે ટીમે ઘરમાં આવેલ પાછળના રૂમના બાથરૂમના માળિયા ઉપર રાખેલા એક પ્લાસ્ટિકના ડબ્બામાં છૂપાવેલા રૂા.૨,૫૮,૪૦૦ની કિંમતના ૨૫.૮૪૦ ગ્રામ વજનનો એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડયો હતો. આ ઉપરાંત એસઓજીએ સ્થળ પરથી બે મોબાઈલ ફોન, આધારકાર્ડ, લાઈટ બીલની નલક સહિતના મુદ્દામાલ સાથે પેડલર હનિફ બેલીમની ધરપકડ કરી હતી અને તેની વિરૂદ્ધ ભરતનગર પોલીસમાં નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ (સી), ૨૨ (બી) મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. જેની આગળની તપાસ પીઆઈ આર.એમ. ઠાકોરે હાથ ધરી છે. વધુમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અમદાવાદના જુહાપુરા અને શાહઆલમ વિસ્તારમાંથી લાવી છૂટક વેચાણ કરતો હોવાની શખ્સે કબૂલાત આપી હતી. પેડલર હનિફ બેલીમને આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

શાકમાર્કેટના ઓથા હેઠળ ડ્રગ્સનો ધંધો કરતો હોવાની શક્યતા

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારની ખોજા કોલોનીના મકાનમાંથી અઢી લાખથી વધુની કિંમતનો એમ.ડી. ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જે વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે, તેની નજીકમાં જ નાની માર્કેટ અને શાકમાર્કેટ હોય, હનિફ બેલીમ શાકમાર્કેટના ઓથા હેઠળ ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હોવાની પણ પોલીસે શક્યતા નકારી ન હતી. આ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આદરી ડ્રગ્સનો જથ્થો કેટલા સમયથી લાવે છે, અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં વેચાણ કર્યું ? તે સહિતની બાબતોમાં પૂછતાછ-તપાસ થશે તેમ જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું.

સપ્લાયરના કનેક્શનની દિશામાં પણ તપાસ શરૂ કરી દેવાઈ

ભરતનગરનો હનિફ બેલીમ વ્યવસાયે ભંગારનો ધંધો કરતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પરંતુ તેની આડમાં યુવાધનને નશાના રવાડે ચડાવવાનો ગોરખ ધંધો પણ કરી રહ્યો હતો. શખ્સની પ્રાથમિક પૂછતાછમાં અમદાવાદના જુહાપુરા, શાહઆલમ વિસ્તારમાંથી કોઈ ડ્રગ્સ માફિયા-પેડલર પાસેથી એમ.ડી. ડ્રગ્સની ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સપ્લાયરના કનેક્શનની દિશામાં પણ તપાસ શરૂ કરી દીધાની એસ.પી.એ માહિતી આપી હતી.


Google NewsGoogle News