સણોસરામાં સાઈબર કેફે ચલાવતા શખ્સે છાત્રાને બદનામ કરવા ફોટો વાયરલ કર્યો
સગીર દીકરીનો ફોટો ફરતો થયાની જાણ થતાં પિતાએ ફરિયાદ નોંધાવી
બહેનપણી સાથે કોલેજનું ઓનલાઈન ફોર્મ ભરવા ગઈ ત્યારે ફોટો ભૂલી જતાં માનસિક વિકૃત શખ્સે કોઈ છોકરા સાથે ફોટો એડીટ કરી વોટ્સએપમાં ફરતો કર્યો
સિહોર: સિહોર તાલુકાના સણોસરા ગામે સાઈબર કેફે ચલાવતા માનસિક વિકૃત શખ્સે સગીર વિદ્યાર્થિનીના ફોટામાં અન્ય છોકરાનો ફોટો એડીટ કરી વોટ્સએપમાં વાયરલ કરતા વિદ્યાર્થિનીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આંખ ઉઘાડતી ઘટનાની મળતી વિગત મુજબ સિહોરના સણોસરા ગામે ગુરૂકૃપા સાઈબર કેફે નામની દુકાન ચલાવતો માનવસિંહ રાજપૂત (રહે, સણોસરા) નામના શખ્સની દુકાને ગત તા.૨૦-૫ના રોજ ધો.૧૨ પાસ થયેલી સિહોર પંથકની બે વિદ્યાર્થિની બહેનપણી કોલેજમાં એડમીશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા ગઈ હતી. ત્યારે એક ૧૭ વર્ષીય વિદ્યાર્થિની તેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો દુકાને જ ભૂલી જતાં શખ્સે તે ફોટો પોતાના મોબાઈલ ફોનમાં લઈ વિદ્યાર્થિની સાથે અન્ય કોઈ છોકરાનો ફોટો એડીટ કરી તેણીને બદનામ કરવાના ઈરાદે એડીટ કરેલો ફોટો વોટ્સએપ પર ફરતો કરી દીધો હતો. વાયરલ થયેલો ફોટો બહેનપણી પાસે પહોંચતા વિદ્યાર્થિનીને ફોન કરી જાણ કરી હતી. જે બાબતે તપાસ કરતા ગુરૂકૃપા સાઈબર નામની દુકાન ચલાવતા શખ્સે કરતૂત કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી વિદ્યાર્થિનીના પિતાએ માનવસિંહ નામના શખ્સ સામે આજે ગુરૂવારે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૫૦૧, આઈટી એક્ટ-૨૦૦૮ની કલમ ૬૬ઈ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.