રાજકોટમાં બ્લેડથી ગળું કાપી નેપાળી કૂકની આત્મહત્યા
- હોટલની ઓરડીમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી
રાજકોટ : કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે આવેલી તપસી હોટલમાં કુક તરીકે નોકરી કરતાં અને ત્યાં જ રહેતા મૂળ નેપાળના ધનરાજ મોહનભાઈ સોની (ઉ.વ.રપ)એ ગઈકાલે રાત્રે બ્લેડ વડે ગળું કાપી આત્મહત્યા કરી લીધી હતી. નેપાળ રહેતી પત્ની બીજા યુવક સાથે વાત કરતી હોવાની તેને શંકા હતી. જેને કારણે તકરાર થતાં આ પગલું ભરી લીધાનું ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પત્ની બીજા યુવક સાથે વાત કરતી હોવાની શંકાના આધારે પગલું ભરી લીધાની શકયતા
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધનરાજ અગાઉ તપસી હોટલમાં બે વર્ષ નોકરી કરી નેપાળ જતો રહ્યો હતો. ત્યાંથી પરત આવી એકાદ વર્ષ પહેલાં ફરીથી નોકરીએ લાગી ગયો હતો. ગઈકાલે તેણે અડધા દિવસની રજા રાખી હતી. નિત્યક્રમ મુજબ રાત્રે નવેક વાગ્યે જમવા નહીં આવતા તેના સાથી કર્મચારીઓ રૂમમાં બોલાવવા જતાં ત્યાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ૧૦૮ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
જાણ થતાં ભક્તિનગર પોલીસના એએસઆઈ નિલેશભાઈ મકવાણા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જોયું તો ધનરાજની બાજુમાંથી બ્લેડ મળી આવી હતી. તેના ગળામાં અઢી ઈંચ પહોળો કાપો હતો. આ ઉપરાંત બીજો પણ નાનો કાપો હતો. જેના આધારે તેણે ગળું કાપી આત્મહત્યા કરી લીધાની શકયતા જણાઈ હતી. આમ છતાં કોઈ શંકાસ્પદ બાબત છે કે કેમ તેની તપાસ માટે પોલીસે હોટલના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ધનરાજ પોતાના રૂમમાં ગયા બાદ પાછળથી તેના રૂમમાં કોઈ નહીં ગયાનું જણાતાં બનાવ આપઘાતનો હોવાનું સ્પષ્ટ બન્યું હતું.
આમ છતાં પોલીસે ફોરેન્સિક પોર્સ્ટમોર્ટમ કરાવ્યું હતું. ધનરાજનો મોબાઈલ ફોન પોલીસે ચેક કરતાં તેમાં નેપાળ રહેતી પત્નીને વોઈસ મેસેજ મોકલ્યાનું જાણવા મળ્યું હતું. જે નેપાળી ભાષામાં હોવાથી પોલીસે હોટલમાં કામ કરતાં નેપાળી કર્મચારીઓની મદદ લેતાં જાણવા મળ્યું હતું કે ધનરાજને તેની પત્ની બીજા યુવક સાથે વાત કરતી હોવાની શંકા હતી. જેથી તે વોઈસ મેસેજમાં પત્નીને બીજા યુવક સાથે વાત નહીં કરવાનું કહેતો હતો.
સાથી કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે ધનરાજ છેલ્લા પાંચેક દિવસથી ગુમસુમ રહેતો હતો. આ સ્થિતિ વચ્ચે તેણે આ પગલું ભરી લીધું હતું.